સુરત: ઉધનાથી ગુમ થયેલા 3 બાળકો મુંબઇથી મળી આવ્યાં

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,સુરત(તારીખ:૦૯)

 

શહેરના ઉધના વિસ્તારમાંથી ગઈ કાલે 3 બાળકો ગુમ થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઉધનાથી ધ્રુવ, શિવમ અને સત્યમ નામના બાળકો ગુમ થયા હતાં. જો કે રાહતની વાત એ છે કે આ ગુમ થયેલા બાળકો મુંબઇના બોરીવલીથી મળી આવ્યાં છે. જેને લઈને ઉધના પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.  મળતી માહિતી મુજબ ગુમ થયેલા બાળકોના સીસીટીવી ફૂટેજ મળ્યા હતાં. જેને લઈને ઉધના પોલીસે બાળકોની શોધખોળ શરૂ કરી હતી. બાળકો ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતાં. બે અલગ અલગ પરિવારના ત્રણેય બાળકો ઘરેથી નીકળ્યા બાદ બોરીવલી સ્ટેશન પોહચી ગયા હતાં. પરિવારજનો દ્વારા તાત્કાલિક ઉધના પોલીસને જાણ કરાતાં પોલીસની જુદી જુદી ટીમો કામે લાગી હતી.

જ્યાં ઉધના રેલવે સ્ટેશનના સીસીટીવી ચેક કરાતા બાળકો ટ્રેન મારફતે ગયા હોવાની હકીકત જાણવા મળી હતી. ઉધના પોલીસના માણસો દ્વારા તાત્કાલિક મુંબઈ જઇ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જ્યાં બોરીવલી પોલીસનો સંપર્ક સાંધતા બોરીવલી સ્ટેશન પરથી બાળકો મળી આવ્યા હતા. પોલીસની એક ટીમે મુંબઈના બોરીવલી જઇ બાળકોનો કબજો મેળવ્યો હતો. ત્રણેય બાળકો સહીસલામત મળી આવતા ઉધના પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસની કામગીરીનો પરિવારજનોએ આભાર માન્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.