• હત્યાનો આરોપી રત્નકલાકાર સંજય અને ઇન્સર્ટમાં મૃતક પત્ની અલ્પા
  • રત્નકલાકાર સંજય એક મહિનાથી બેકાર હતો અને પત્ની અલ્પા સાથે મારજૂડ કરતો
  • એક મહિનાથી મૃતક અલ્પા ભાડાના મકાનમાં રહેતી હતી

ગરવીતાકાત, સુરતઃ શહેરના રાંદેર સ્થિત એવરગ્રીન સોસાયટીમાં બાળકોની નજર સામે જ પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીના ગળાના ભાગે ચપ્પુના ઘા કરતા બાળકો ચિચયારી કરવામાં માંડ્યા હતા, જે સાંભળીની પાડોશીઓ ભેગા થઇ ગયા હતા અને પોલીસને તાત્કાલિક જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફરાર થઇ જતા તેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

બનાવની વિગતો એવી છેકે આરોપી સંજય એક રત્નકલાકાર છે અને તેણે અલ્પા સાથે 13 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા એક મહિનાથી સંજય બેકાર હતો. પત્ની અલ્પા સાથે છેલ્લા ઘણા સમયથી કંકાસ થઇ રહ્યો હતો. સંજયની મારજૂડથી કંટાળીને અલ્પા બાળકો સાથે ભાડાના મકાનમાં રહેવા જતી રહી હતી. બનાવના દિવસે પણ અલ્પા અને સંજય વચ્ચે કંકાસ થયો હતો, જેમાં ગુસ્સે ભરાયેલા સંજયે અલ્પાના ગળા અને જાંઘના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા, જેના કારણે અલ્પાનું મોત નીપજ્યું હતું