સુરત: દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફટકાર્યા બાદ નારાયણ સાંઇને જેલમાં કામની વહેંચણી કરાઇ છે. નારાયણ સાંઇને ઘાસ કાપવાનું કામ સોંપવામાં આવ્યું છે. લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઇને સુકાઇ ગયેલું ઘાસ કાપવું પડશે. જોકે, આ કામ માટે નારાયણ સાંઇને ત્રણ મહિના સુધી વેતન નહીં મળે. ઘાસ કાપવાનું કામ શીખી ગયા પછી તેને રોજ 70 રૂપિયા મળશે. ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થયેલા નારાયણ સાંઇને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી, સાથે જ એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. સાથે જ સાધ્વી ગંગા, જમુના અને સાધક હનુમાનને 10 વર્ષની સજા જ્યારે રમેશ મલ્હોત્રાને છ મહિનાની સજા ફટકારવામાં આવી હતી. ઉપરાંત પીડિતાને પાંચ લાખનું વળતળ ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો હતો.

આ પણ વાંચો: ભરૂચના તરસાલી અને શુકલતીર્થ ગામે ભૂ માફિયાઓ બેલગામ 

જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં સાધિકા પર વર્ષ 2002માં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેની ફરિયાદ 11 વર્ષ બાદ એટલે કે 2013માં થઈ હતી. ફરિયાદ બાદ નારાયણની 58 દિવસ બાદ કુરુક્ષેત્રથી ધરપકડ કરવામાં આવી હતી. નારાયણ સતત 58 દિવસ સુધી ભાગતો રહ્યો હતો. સાડા પાંચ વર્ષથી જેલમાં બંધ નારાયણ સામે ટ્રાયલ ચાલી હતી. તા. 26મી એપ્રિલના રોજ નારાયણ સહિત પાંચને તકસીરવાર ઠેરવવામાં આવ્યા હતા અને આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી.

Contribute Your Support by Sharing this News: