ગરવીતાકાત,સુરતઃ હાલ વિઘ્નહર્તા ગણપતિની પૂજા અર્ચના કરવાનું પર્વ ગણેશોત્સવ ચાલી રહ્યું છે. એક તરફ ગણેશ ભક્તિમાં લોકો લિન બન્યા છે ત્યારે અમુક યુવકો ગાંધીના ગુજરાતમાં જાહેરમાં દારૂ પીને છાકટા થયા હોય તેમ ખુલ્લેઆમ દારૂની બાટલીઓ પીને ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ અંગે ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે, આ અંગે તપાસ થવી જોઈએ.

બિયરની બાટલીઓ સાથે નાચતા જોવા મળ્યા: કોટસફિલ રોડ પર આવેલા ગોલવાડમાં ગણપતિની સ્થાપ્ના સાથે જ ગણપતિની મૂર્તિ સામે યુવકો નાચતાં નાચતાં એકબીજાને જાહેરમાં બિયર અને દારૂ પીવડાવી રહ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યા મુજબ આ યુવકો બિંદાસ્ત બનીને એકબીજાને પીવડાવી રહ્યા હતા એ દરમિયાન પોતાના વીડિયો પણ ઉતરાવી રહ્યાં હતાં. ગીતના તાલે જાહેરમાં દારૂ પીનારા ધતિંગ કરી છાકટા થયા હોવાના ધતિંગ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ: મહિધરપુરા પોલીસે જણાવ્યું હતું કે, વાયરલ થઈ રહેલા વીડિયોને આધારે તપાસ આદરવામાં આવી છે. સાથે જ હાલ પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા યુવકોની ઓળખ કરીને અટકાયત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

તપાસ થવી જોઈએઃધારાસભ્ય: આ વિસ્તારના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે, આ રીતે જાહેરમાં જે પ્રકારનો વીડિયો વાયરલ થયો છે તે યોગ્ય નથી. આ અંગે તપાસ થવી જોઈએ. આરાધનાના પર્વમાં અયોગ્ય વર્તન ન થવું જોઈએ.

ભૂતકાળમાં હુમલા થયેલા: ગોલવાડ વિસ્તાર દારૂ માટે કુખ્યાત છે. જાહેરમાં દારૂ વેચાતો હોવાના અહેવાલો અગાઉ પણ આવી ચુક્યા છે. પોલીસ જ્યારે આ વિસ્તારમાં રેડ કરવા જતી ત્યારે મહિલાઓ દ્વારા પણ હુમલા થયા હતા.

આસ્થાના નામે ઐય્યાશી: ગોલવાડમાં ગણેશજીની પ્રતિમા સામે જ દારૂ પીને ડાન્સ કરતાં યુવકો અંગે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરતાં અરવિંદ ભટ્ટીએ લખ્યું હતું કે, આ આસ્થાના નામે ઐય્યાશી ચાલી રહી છે. આ લોકો ગણેશોત્સવને બદનામ કરી રહ્યાં હોય તે રીતે આસ્થા પર કલંક લગાવી રહ્યાં છે.

બીજા સાથે સમાચાર શેર કરો.