ગરવીતાકાત,સુરત: અડાજણની પાર્થ સોસાયટીના એક બંગલાના મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા સોસાયટીના અન્ય રહીશોમાં ભયને લઈ ભારે હોબાળો મચી ગયો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ ગણતરીની મિનિટોમાં ઉગ્ર બની જતા આખું પરિવાર પહેલાં માળે ફસાઈ ગયું હતું. જોકે, ઘટનાની જાણ બાદ દોડી આવેલા ફાયરના જવાનોએ તાત્કાલિક એક બાજુ આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરી બીજી બાજુ પહેલાં માળે ધુમાડામાં ફસાયેલા પરિવારને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.

ફાયરની સમયસર અને પ્રસંનીય કામગીરીને લઈ સોસાયટીના તમામ પરિવારોએ આભાર વ્યક્ત કર્યો હતો.ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કોલ મળ્યા બાદ તાત્કાલિક તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. નિદ્રાવાન પરિવાર પહેલાં માળે આગના ધુમડામાં ફસાયું હતું. ગ્રાઉન્ડ ફ્લોર પર આગ બેકાબુ બની હતી.

એક સાથે બન્ને કામગીરી એટલે કે આગ ને કાબુમાં લેવાનો પ્રયાસ અને બીજી બાજુ આખા પરિવાર ને રેસ્કયુ કરી પહેલાં માળેથી સીડી લગાવી નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવાનું આયોજન ગણતરીની મિનિટોમાં કરવું પડ્યું હતું.વધુમાં જણાવ્યું હતું કે, એક ટીમ આગને કાબુમાં લેવામાં કામે લાગી ગઈ હતી. અને બીજી ટીમ ફાયરની સીડી પહેલાં માળે લગાવી આખા પરિવારને રેસ્કયુ કરી બચાવવામાં કામે લાગી હતી.

પતિ-પત્ની અને એક દીકરો અને એક દીકરીને મહા મુસીબતે બચાવ્યા હતા. પતિ-પત્નીનું વજન વધારે હોવાથી તેમનો રેસ્કયુ જોખમી હતો પણ સફળ રહ્યો હતો.વધુમાં ઉમેર્યું હતું કે, આ બગલાના માલિક રાજનભાઈ સુરેશભાઈ જરીવાલા હતા. એક વર્ષ પહેલાં રાજનભાઈના ઘરમાં ચોરો ઘુસી ગયા હતા.

ત્યારબાદ સોસાયટીના તમામ પરિવારોએ ધાબાને કાયમી લોક કરીને રાખવાનું નક્કી કર્યું હતું. જેને લઈ આગ લાગ્યા બાદ જરીવાલા પરિવાર પહેલા માળેથી ધાબા પર જઈ શક્યું ન હતું. અને ધુમાડામાં ફસાઈ ગયું હતું. જોકે, આ દુર્ઘટનામાં પાડોશી મહિલાની કામગીરી પણ વખાણવા લાયક હતી. ફાયરની ગાડીને લેવા મહાલક્ષ્મી મંદિર સુધી મળસ્કે 2:15 મિનિટે દોડીને આવતા ફાયર સમય સર ઘટના સ્થળે પહોંચવામાં સફળ રહ્યું હતું