બનાસકાંઠાના ખોડામાં ખેડૂત એસોશિએશન દ્વારા ભાગીયા તરીકે કામ કરતા મજૂર વર્ગના શોષણ સમાન નિયમો બનાવાયા

શેર કરવા અહીં ક્લિક કરો.
સરકાર ભાગીયા તરીકે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં મજૂરોના હિતમાં નિર્ણય લે તેવી માંગ 

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખોડા ગામે ખેડૂત એસોસિએશન દ્વારા તેમના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતાં મજૂર વર્ગનું શોષણ થાય તે પ્રકારે નિયમો બહાર પાડી પરિપત્ર જાહેર કરતાં ભાગીયા તરીકે કામ કરતા મજુર વર્ગના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને એસોસિએશનના કાયદાના વિરૂધ્ધમાં સરકાર તેમની સામે પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખોડા ગામે ખેડૂત એસોશિયન દ્વારા તેમના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા ખેત મજૂરો માટે કેટલાક નિયમો બનાવી પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં દરેક ખોડા ખેડૂત અેસોસીઅેશનના તમામ ખેડૂત મિત્રોને આ પરીપત્રમાં જણાવવામાં આવેલ છે કે ભાગીયાને વધારેમાં વધારે પ૦ હજાર સુધી ઉપાડ આપવો અને ૫૦ હજારના ઉપાડ પર બે ટકા લેખે ફરજિયાત વ્યાજ ગણતરીમાં લેવું. ૩૦ હજાર જેટલા ઉપાડ પેટે વ્યાજ લેવું નહીં દરેક ખેડૂતભાઈઓએ ત્રણેય સિઝનમાં પાંચમાં ભાગ આપવો. થેશર અને નિંદામણની દવા ભાગીયા ઉપર રાખવી. જે ખેડૂત નિયમનું પાલન ન કરે તેને સોગંદ આપીને પ૦૦૦ નો દંડ વસૂલ કરવો અને જો ખેડૂતો દંડ ન ભરે તો ગામમાં કોઈને પણ પ્રસંગ હોય ત્યારે તેને બોલાવવાનો નહીં તે ઉપરાંત બહાર ગામના ભાગીયા રાખતાં પહેલાં સ્ટેમ્પ પેપર ઉપર લખાણ લઈ લેવું જેથી કરીને ભવિષ્યમાં ઉભા થનારા પ્રશ્નો મોટું રૂપ ધારણ ન કરે. જે ખેડૂત મિત્રો જાતે વાવેતર કરીને મજૂરી માટે ગામમાંથી કે બહાર ગામના મજુર લાવે તેને દિવસની મજૂરી લેખે રૂપિયા ૨૫૦ આપવાના રહેશે તેના ઉપર વધુ રકમ આપનારને પણ દંડ કરાશે. આમ દિવસભર મહેનત મજૂરી કરીને જીવન ગુજારતા મજૂરોના હિતમાં હવે સરકાર જ પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે.

તસ્વીર અહેવાલ જયંતિ મેતિયા પાલનપુર 

શેર કરવા અહીં ક્લિક કરો.