ડોનાલ્ડ ટ્રંપના આગમન પહેલાં સુરક્ષા એજન્સીઓએ કરી રહી છે તપાસ

ગમ્યું તો આગળ શેર કરો.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપના આગમન પહેલાં અમેરિકાની સુરક્ષા એજન્સીઓ અને યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટો અમદાવાદમાં આવી ચૂક્યાં છે. હાલ તેઓને અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલી હયાત હોટલમાં રોકાણ આપવામાં આવ્યું છે. યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટો સુરક્ષાના તમામ આધુનિક સાધન સામગ્રી સાથે અમદાવાદ આવી પહોંચ્યા છે. સુરક્ષાના તમામ સાધનો પણ હયાત હોટલમાં જ રાખવામાં આવ્યાં છે. ત્યારે અમેરિકી સિક્રેટ સર્વિસના એજન્ટો અને સુરક્ષા એજન્સીઓ હવે રોડ શોના તમામ રૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી રહી છે. માત્ર રોડશો નો રૂટ જ નહીં પણ તેની આસપાસના એરિયા અને અવાવરું લાગતા જંગલ વિસ્તારમાં પણ અમેરિકાની સુરક્ષા એજન્સીઓ પરિભ્રમણ કરીને સુરક્ષાની સમીક્ષા કરી રહ્યાં છે.

સુરક્ષાના તમામ સાધનો, અને રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂરી પાડવામાં આવતી તમામ ચીજવસ્તુઓને અમેરિકન પ્લેન મારફતે અમદાવાદ લાવવામાં આવી અને વિવિધ ટ્રકના કન્ટેનરમાં હોટલ સુધી લઈ જવામાં આવી હતી. 24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મલેનિયા ટ્રંપ સાથે અમદાવાદ લેન્ડ થશે. એ વખતે તેમની સુરક્ષા માટે તમામ સામાનનો ઉપયોગ કરવામાં આવશે.

સીએમ રૂપાણીએ સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું: ડોનાલ્ડ ટ્રમ્પના ગુજરાત આગમનને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં મોટેરા સ્ટેડિયમ ની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે સીએમ રૂપાણી સોમવારે સાંજે 6.00 કલાકે મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. દુનિયાના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદી સાથે મહેમાન બનશે. ત્યારે ટ્રમ્પને આવકારવા અમદાવાદને સોળે શણગારે સજાવવામાં આવી રહ્યું છે. ત્યારે સ્ટેડિયમના વીવીઆઇપી રોડ પર ટ્રમ્પના સ્વાગત માટે પેઇન્ટિંગથી લઇને સાફસફાઇ તેમજ રંગારંગ કાર્યક્રમનું સીએમ રૂપાણીએ નિરીક્ષણ કર્યું હતું. સીમ રૂપાણીએ તૈયારીનું નિરીક્ષણ કર્યા બાદ નિવેદન આપ્યું હતું કે, ઇતિહાસમાં આવું પહેલી વખત થઇ રહ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ સીધા જ દિલ્હીને જગ્યાએ અમદાવાદ આવી રહ્યાં છે.

રોડ શો જોવા માટે બતાવવું પડશે આધારકાર્ડ: 24 ફેબ્રુઆરીએ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદનાં મહેમાન બનવાનાં છે. તેમની સાથે વડાપ્રધાન મોદી ઉપરાંત અનેક હાઇપ્રોફાઇલ હસ્તીઓ હાજર રહેવાનાં છે. જેથી અમદાવાદ એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી રોડ શો કરવાનો છે. જે લોકો રોડ શો જોવા ઇચ્છતા હોય તેમણે પણ પોલીસ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે. પોલીસ તેમને પણ આઇકાર્ડ આપશે. સુભાષબ્રિજ કલેક્ટર કચેરી સામે આવેલી સોસાયટીઓમાં કોઇએ પણ બહાર રોડ શોમાં ઉભા રહેવું હોય તે અગાઉથી આધારકાર્ડ જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે.

ટ્રમ્પ દંપતી સાબરમતી નદીનો નજારો માણશે: ગાંધીઆશ્રમ ખાતે મગન નિવાસની પાસે સાબરમતી રિવરફ્રન્ટ પર પીએમ મોદી અમેરિકા પ્રમુખ ટ્રમ્પને સાબરમતી રિવરફ્રન્ટ અને સાબરમતી નદીનો નજારો બતાવવામાં આવશે. મગન નિવાસની પાસે સાબરમતી રિવર ફ્રન્ટનાં ખૂણે વિશેષ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી અને અમેરિકા પ્રમુખ ટ્રમ્પ આશરે ત્રણથી ચાર મિનીટ સુધી આ સ્ટેજ પર રહેશે અને અદ્ભુત રમણીય નજારો પણ માણશે. તંત્ર દ્વારા આ જગ્યા ખાતે અવનવી રોશની કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સને સ્ટેડિયમમાં લાવવામાં આવશે: મોટેરામાં પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતની કરાઈ વિશેષ તૈયાર કરાઈ છે. અમદાવાદની કોલેજોમાંથી 20 હજાર વિદ્યાર્થીઓને સ્ટેડિયમમાં લાવવામાં આવનાર છે. જુદી જુદી સ્કૂલોમાંથી 17 હજાર જેટલા વિદ્યાર્થીઓને પણ મેદાનમાં લાવવામા આવશે. 14 હજાર VVIP ઓને સ્ટેડિયમના ઉદઘાટન પ્રસંગે આમંત્રિત કરાયા છે. અમદાવાદની બહારથી આવનારા લોકોને 3 વખત ફૂડ પેકેટ આપવામાં આવશે. તો સાથે જ, ગુજરાત યુનિવર્સિટીના 150 જેટલા પ્રોફેસરોને પણ મોટેરા મોકલવામાં આવશે. તમામને વિશેષ આઈકાર્ડ બનાવીને આપવામાં આવશે.
ગમ્યું તો આગળ શેર કરો.