કોરોના મહામારીને રોકવા માટે લાગૂ લૉકડાઉનને પગલે હાલમાં કોઈ પણ સંજોગોમાં સરકાર સ્કૂલ, કોલેજ કે મોલ ખોલવાની સ્થિતિમાં નથી. છેલ્લા ત્રણ મહિનાથી દેશમાં તમામ શિક્ષણ સંસ્થાનો દેશમાં બંધ છે. કેટલાક રાજ્યોએ શરતોને આધિન સ્કૂલો ખોલવાની તૈયારી દર્શાવી છે. આ દરમિયાન એવા સમાચારો વાયરલ થયા છે કે, જુલાઈ મહિનામાં સ્કૂલ અને કૉલેજો ફરીથી ખોલવાનું સરકાર વિચારી રહી છે. જેમાં ગ્રીન ઝોનમાં 30 ટકા બાળકો સાથે 8માંથી 12મા ધોરણ સુધીની શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલવામાં આવી શકે છે. આ મામલે ગૃહ મંત્રાલયે લીલીઝંડી આપી હોવાના વાયરલ સમાચારોનું મંત્રાલયે હવે ખંડન કર્યું છે.

બોર્ડની પરીક્ષાઓ લેવા માટે કાર્યક્રમ જાહેર કરી ચૂકી છે સરકાર

પીઆઈબી દ્વારા મંગળવારે રાતે જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્કૂલ અને કોલેજ ખોલવા પર હજી કોઈ નિર્ણય લેવાયો નથી. એનસીઈઆરટીના આદેશ બાદ હાલમાં એચઆરડી મિનીસ્ટ્રીમાં આ બાબતે કાર્યવાહી ચાલી રહી છે પણ કોઈ નિર્ણય લેવાયો નથી. સરકાર બોર્ડની પરીક્ષાઓ લેવા માટે કાર્યક્રમ જાહેર કરી ચૂકી છે. દેશભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા પર હજી પણ પ્રતિબંધ જ છે. પીઆઈબીએ ગૃહ મંત્રાલયના હવાલેથી જાણકારી આપી છે કે સ્કૂલોને ખોલવાના બધા સમાચાર ખોટા છે.

અમુક વિસ્તારોમાં સ્કૂલો જૂન મહિનાથી શરૂ કરવાના પ્રયત્નો

મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ વિભાગ રાજ્યના અમુક વિસ્તારોમાં સ્કૂલો જૂન મહિનાથી શરૂ કરવાના પ્રયત્નો કરી રહી છે, ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે, સરકારે સ્કૂલો શરૂ કરવામાં ઉતાવળ કરવી નહીં. શિક્ષણ વિભાગે સ્કૂલ માલિકો, પ્રિન્સિપાલ, વાલીઓ પાસેથી રાજ્યમાં સ્કૂલો શરૃ કરવા બાબતે મંતવ્યો માગ્યા છે. જેમાંના અધિકાંશ લોકોનો પ્રતિભાવ એવો જ આવ્યો છે કે, સરકારે સ્કૂલો શરૂ કરવી જોઈએ નહીં. મુંબઈ સહિત અનેક વિસ્તારમાં રેડ ઝોન છે. તે ઉપરાંત જો ગ્રીન ઝોનમાં પણ શાળા શરૂ કરવામાં આવે તો ત્યાંના સ્થાનિક રેડઝોનમાંથી પણ જો લોકોની અવરજવર થાય અને જો કોરોનાનો સંસર્ગ ફેલાય તો વિદ્યાર્થીઓનું જીવન જોખમાઈ શકે છે.

Contribute Your Support by Sharing this News: