ગરવીતાકાત,તારીખ:૨૭ 

ભાજપમાં આંતરીક જૂથવાદ ચરમસીમાએ છે. અને એ સંજોગોમાં વિજય રૂપાણીએ ગાહેડના પ્રોપર્ટી શોના ઉદ્ઘાટન પ્રસંગે કોઇનું પણ નામ લીધા વિના વિરોધીઓને કડક ભાષામાં મેસેજ આપી દીધો છે. ભાજપના એક ચોક્કસ ગ્રુપ દ્વારા વારંવાર ગુજરાતના ભાજપના રાજકારણમાં મોટા પાયે ફેરફારો આવી રહ્યાની વાતો વહેતી કરનારાને રૂપાણીએ રોકડુ પરખાવ્યું છે કે મુખ્યપ્રધાન બન્યો ત્યારે જ કહ્યુ હતું કે હું ટ્વેન્ટી ટ્વેન્ટી રમવા આવ્યો છું. ક્રિઝની ચિંતા મારા મતદારો કરશે.

નરેન્દ્ર મોદી 2014ની લોકસભાની ચૂંટણી જીતીને દિલ્હી ગયા પછી ગુજરાતનું સુકાન આનંદીબેન પટેલને સોંપીને ગયા હતાં. પરંતુ આનંદીબેનના સમયમાં આંદોલનો અને ભ્રષ્ટાચારે માઝા મૂકતા પ્રોજેક્ટોની ફાળવણીમાં પાંડવા-મામકા કરવાથી ભાજપની ઇમેજ ખરડાઇ હતી. અને ગુજરાતમાં ભાજપને ખાસ્સુ એવું નુકસાન થયું હતું. જે હજુ પણ ભરપાઇ થયું નથી. ભાજપમાં જે રીતે આંતરિક ડખા ચાલે છે, ટાંટિયાખેંચ ચાલે છે તેનાથી કદાચ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સારી રીતે વાકેફ હોય તેમ લાગે છે. સીએમ બદલવા પક્ષમાંથી જ એડી ચોટીનું જોર લગાવી ટોચના નેતાઓ પાસે હઠ પકડીને બેસી જનારા ભાજપના જ કેટલાક નેતાઓને સીએમએ ટોણો માર્યો હતો કે, જયારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે જ મેં કહ્યું હતું કે હું વનડે નહિ પણ ૨૦-૨૦ રમવા આવ્યો છું તેના માટે અડધી પીચે રમવું પડે અને મને પીચની કોઈ ચિંતા નથી.

તો આ નિવેદનને એ રીતે પણ જોવામાં આવી રહ્યું છે કે રૂપાણીના વિરોધીઓ દ્વારા સોશિયલ મીડિયામાં અને વેબપોર્ટલો મારફતે મુખ્યમંત્રી બદલવામાં આવશે એવા ગપગોળા ચલાવવામાં આવે છે. તેનાથી સીએમ રૂપાણી પોતે વાકેફ છે. એટલે જ આવા લોકોને જવાબ આપ્યો છે કે તેને ખુરશીની કોઈ ચિંતા નથી. બીજી તરફ એક કાંકરે બે પક્ષી મારતા રુપાણીએ ભાજપના આવા ઘણા ભ્રષ્ટાચારી નેતાઓને એ પણ આડકતરી રીતે સંદેશો આપી દીધો છે કે તેમની કોઈ બિલ્ડર સાથે ભાગીદારી નથી કે કોઈ જમીન નથી. ભાજપના કેટલાક નેતાઓની બિલ્ડરો સાથે ભાગીદારી કે સાંઠગાઠ જગજાહેર છે. રાજ્યના એક પૂર્વ સીએમના મહેસૂલ વિભાગના ભ્રષ્ટાચારો જગજાહેર છે. ત્યારે સીએમએ કહ્યું છે કે અમદાવાદ કે બરોડા કે સુરતમાં મારી એક ઇંચ પણ જમીન નથી.

જે લોકો મોટા પાયે ભાજપના નેતાઓના ઘર ભરે છે એવા બિલ્ડર્સના પ્રોપર્ટી શોમાં સીએમ રૂપાણીએ પોતાના રાજકીય દુશ્મનોને સણસણતો જવાબ આપવા પરફેક્ટ પીચ પસંદ કરી હતી. અને આવતી કાલની ચિંતા કર્યા વિના સંકેત આપ્યો છે કે ભૂતકાળમાં જે સ્થિતિ સર્જાઈ હતી તે તેના કાર્યકાળમાં નહિ થાય અને તેને ખુરશી જવાની કોઈ ચિંતા નથી, તો જમીનોના નામે કોઈ રોકાણ કે કૌભાંડ પણ નથી.