અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ સાથે સંકળાયેલા કર્મચારીઓએ 17 જાન્યુઆરી, 2020ની વહેલી સવારથી જ માર્ગ સલામતી સપ્તાહના આખરી પડાવની ઉજવણી વિશિષ્ટ રીતે કરી હતી. શહેરના જુદા જદા વિસ્તારના ટ્રાફિક સર્કલ અને વાહન વ્યવહારથી ભરચક વિસ્તારમાં પોલીસની ટ્રાફિક શાખાના કર્મચારીઓ, હોમગાર્ડસ્ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો બેનર્સ સાથે જોવા મળ્યા હતા. હાથમાં બેનર્સ અને પ્લેકાર્ડ સાથે કર્મચારીઓ ટ્રાફિક નું નિયમન કરતાં કર્મચારીઓ હેલ્મેટ અને સીટ બેલ્ટ વગરના વાહન ચાલકોને દંડ ફટકારવાની જગ્યાએ ગુલાબ આપતા નજરે પડ્યા હતા. ભારત દેશમાં યુવાનો ની સંખ્યા ખૂબજ મોટા પ્રમાણમાં છે. જેના કારણે માર્ગ સલામતી સપ્તાહ સાથે સંકળાયેલા સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાના લોકોએ યુવાનોને ખાસ સંદેશો આપતા કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. કારણ કે યુવા શક્તિ દ્વારા જ પરિવર્તન આવી શકે છે. ઝેબ્રા ક્રોસિંગ પર ચાલવું, ટ્રાફિકના સિગ્નલોનું પાલન કરવું, ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરવો નહીં , નશો કરી વાહન ચલાવશો નહીં, સીટ બેલ્ટ અવશ્ય પહેરવો.. ટ્રાફિક પોલીસ દ્વારા બનાવેલા બેનર્સમાં આ તમામ નિયમો ખાસ યુવાનોને સંબોધીને જ લખવામાં આવ્યા છે. અત્યારની એકદમ ફાસ્ટ જીવન શૈલી માં યુવાનો ભણતર માટે તેમજ રોજગાર અર્થે એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચવા પોતાના જ વાહન પર જવાનો વધારે આગ્રહ રાખે છે. કેટલીકવાર અન્ય વાહન ચાલકની ગફલત, ગુસ્તાખી કે ગેરરીતિના કારણએ નિર્દોષ માણસો અકસ્માતનો ભોગ બને છે, પરિવારને સહન કરવાનો વારો આવે છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખી શૈક્ષણિક સંસ્થાઓ અને માર્ગો પર માર્ગ સલામતી સપ્તાહમાં તંત્ર દ્વારા યુવાનોને વાહન ચલાવતી વખતે કઇ બાબતો ધ્યાનમાં રાખવી એ તરફ માર્ગ દર્શન આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

Contribute Your Support by Sharing this News: