ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લાના શામળાજીથી મેશ્વો ડેમ ઉપર થઇ આસપાસના 50 ગામોને જોડતા મુખ્ય રસ્તામાં ડેમ થી દેવનીમોરી સુધીનો ત્રણ કિલોમીટરનો રસ્તો બિસ્માર બની જતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.

અરવલ્લી જીલ્લાના શામળાજીથી મેશ્વો ડેમ ઉપર થઇ આસપાસના 50 ગામોને જોડતા મુખ્ય રસ્તામાં ડેમ થી દેવનીમોરી સુધીનો ત્રણ કિલોમીટરનો રસ્તો બિસ્માર બની જતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરી રહ્યા છે.

અરવલ્લી જીલ્લાના શામળાજી નજીક આવેલા મેશ્વો ડેમ ઉપર થઇ દેવનીમોરી, કુશકી, ઇસરી ,અઢેરા ,રેલ્લાવાડા ,મેઘરજ ,વાઘપુર ,નવલપુર ,હિંમતપુર , સરકીલીમડી સહિતના 25થી વધુ ગામોમાં જવા માટે મુખ્ય રસ્તો બનાવાયો છે. આ રસ્તે થઇ દિવસ તેમજ રાત્રી દરમિયાન 5000થી વધુ લોકો અને 1000થી વધુ નાના મોટા વાહનો અવર જવર કરે છે. ત્યારે આ રસ્તામાં શામળાજી મેશ્વો ડેમથી દેવનીમોરી સુધીનો 3 કિલોમીટરનો રસ્તો તૂટી જઈ બિસ્માર બની ગયો છે.

ઉપરાંત આ રોડમાં બે બે ફૂટના ઊંડા ખાડા પણ પડી ગયા છે જેના કારણે આ રસ્તે થી પસાર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. સામાન્ય રીતે જે રસ્તો કાપવામાં માત્ર 10 મિનિટ લાગે તે રસ્તો કાપવામાં અડધો કલાક નીકળી જાય છે.

રસ્તામાં વાહન ચાલકો માટે કયો ખાડો ટાળવો તે મોટો સવાલ થાય છે જ્યારે નાના બાઈક ચાલકો ખાડામાં પડવાના બનાવો પણ અવાર નવાર બની રહ્યા છે. ત્યારે બિસ્માર બનેલો આ રસ્તો હાલતો રોજે રોજ 25 ગામોના 5000 હજાર લોકોના પરેશાનીનું કારણ બની મેશ્વો વિભાગ દ્વારા મરામત કરવાની રાહ જોઈ બેઠો છે.

સમગ્ર મામલે મેશ્વો વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે આ રસ્તો મેશ્વો ડેમની પાલ ઉપરનો રસ્તો છે જેના ઉપર દર વર્ષે નજીકના દુનાગર ઉપરનું વરસાદનું પાણી આવવાથી ધોવાઈ જાય છે.

આ રસ્તો નવો બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગને શ્યામા પ્રસાદ મુખર્જીની ગ્રાન્ટમાંથી મંજૂર કરવા માટે વિનંતી કરાઈ છે. રસ્તો મંજૂર કરાયો નથી જેથી હવે આ રસ્તો અમે રિપેરિંગ કરાવીશું ત્યારે બંને વિભાગોના વાંકે હાલ આ રસ્તેથી પસાર થતા વાહન ચાલકો ને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.