ગરવીતાકાત,અરવલ્લી: મોડાસા શહેરમાં શહેરના રસ્તા વચ્ચે અડિંગો જમાવીને બેસતી અને રખડતી ગાયોને લીધે વારંવાર નાના-મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે. ગત વર્ષે એક યુવકને ગાયે અડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું હતું. રાત્રીના સુમારે રોડ પર બેસેલી ગાયોનું ટોળું ન દેખાતા અનેક વાહન ચાલકો ગાય સાથે ભટકાઈ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. મોડાસાના મેઘરજ રોડ પર ગાયોના ધણના ધણ અડિંગો જમાવી બેસી રહે છે. ગત મોડી રાત્રે ગાય વચ્ચે આવી જતાં રિક્ષા પલ્ટી ખાતા રિક્ષાનો કડૂચાલો વળી ગયો હતો.મેઘરજના કુંભેરા ગામના દિનેશભાઇ અરવિંદ ભાઈ બરંડા તેમની પત્ની સોનલ બેન અને પુત્ર સમીર સાથે મોડાસા રિક્ષા લઈ કામકાજ અર્થે મોડાસા આવ્યા હતા કામકાજ નિપટાવી રિક્ષામાં પરત ફરી રહ્યા હતા. શહેરના મેઘરજ રોડ પર આવેલી દ્વારકાપુરી સોસાયટી નજીક ગાય આડી ઉતરતા રિક્ષા સાથે અથડાતા રિક્ષા પલ્ટી જતા રિક્ષામાં સવાર પતિ-પત્ની અને બાળકના શરીરે ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ તાબડતોડ ૧૦૮ એમ્બ્યૂલન્સ વાન મારફતે ત્રણે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા. શહેરમાં રખડતા ઢોર સામે નગરપાલિકાની લાચારી સામે ભારે આક્રોશ ફેલાયો છે.પાલિકા અકસ્માતોની વણથંભી વણઝાર અટકાવવા નક્કર પગલાં કયારે લેશે? રસ્તે રખડતા ઢોરોને લીધે થતાં અકસ્માતોમાં ભૂતકાળમાં  કોઇનો વ્હાલાસોયો દીકરો કે કોઇના ગુમાવી ચુક્યા છે પણ પાલિકાને અને તેના અધિકારીઓને શહેરમાંથી રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવામાં કોઇ જ રસ રહ્યો નથી. શહેરમાંથી રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે પાલિકા કાગળો પર ઘોડા દોડાવ્યે રાખે છે. નગરપાલિકા પાંજરાપોળ ન હોવાનું રટણ રટી બહાના બાજી કરી રહી હોય અને નક્કર કાર્યવાહી કરવાના બદલે પશુપાલકોથી ગભરાતી નગરપાલિકા અને કર્મચારીઓ પાંજરે પુરવા નામાવલિ પુરવાર થઇ રહી હોવાનું પ્રજાજનો અહેસાસ અનુભવી રહ્યા છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: