રાજ્યના દક્ષિણ અને મધ્ય ભાગમાં સારો વરસાદ થઇ રહ્યો છે. ત્યારે હાલ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી અમદાવાદમાં ઘોર વાદળો છવાયેલા હતા. ત્યારબાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના જમાલપુરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે, તે સિવાય જમાલપુર, પાલડી, વાસણામાં પણ વરસાદ પડી રહ્યો છે. આ સિવાય બોપાલ અને ઘૂમા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સાથે એસજી હાઇવેના પ્રહલાદનગર, થલતેજમાં વરસાદ જોવા મળી રહ્યો છે.

વડોદરા શહેરમાં ગઈકાલથી વરસી રહેલા વરસાદના પગલે સ્માર્ટસિટીની પોલ ખુલ્લી પડી ગઈ છે. તંત્ર દ્વારા પ્રી મોનસૂન કામગીરીના દાવાઓની વચ્ચે સવારથી વરસેલા વરસાદના પગલે અલકાપુરી ગરનાળું ઑવરફ્લો થઈ ગયું હતું અને લાંબા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ એમ તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. અંકલેશ્વરમાં સાત, ભરૂચમાં પાંચ અને જાંબુઘોડામાં ૪ ઇંચ, વાલિયામાં અઢી ઇંચ વરસાદ પડયો હતો. સુરતના માંગરોળમાં સાંજે છ વાગ્યા સુધીમાં 128 મી.મી. લેખે પાંચ ઈંચ પાણી વરસાવ્યું હતું. ખાસ કરીને દિવસ દરમિયાન પાંચ કલાકના ટૂંકા સમયમાં ચાર ઈંચ વરસાદ વરસતા પચાસ માલધારી પરિવારોને સ્થાનિક રહીશોએ બચાવી લીધા હતા.

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે વલસાડના રેલવે સ્ટેશન પર તેમજ પરિસરમાં પાણી ભરાઈ ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. વલસાડના વાપીમાં 8.1 ઇંચ, વલસાડમાં 5.5 ઇંચ, પારડીમાં 7.2 ઇંચ વરસાદ થયો હતો. જ્યારે ધરમપુરમાં 3.5 ઇંચ, કપરાડામાં 6.2 ઇંચ ઉમર ગામમાં 5.90 ઇંચ વરસાદ નોંધાયો હતો.

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેર ચાલુ છે ત્યારે વડોદરા શહેરમાં સવારે 4 કલાકમાં પ્રચંડ ગાજવીજ સાથે 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મુશળધાર વરસેલા વરસાદને પગલે સમગ્ર શહેર જળબંબોળ થઇ ગયું હતું. ઠેર-ઠેર ભરાયેલા પાણીથી વહેલી સવારે સ્કૂલ તેમજ નોકરી-ધંધાર્થે નીકળેલા લોકો અટવાઇ પડ્યા હતા. અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીમાં વાહનો પણ ઠપ થઇ ગયા હતા.

દક્ષિણ ગુજરાતમાં મેઘાની તોફાની સવારી આવી પહોંચી હતી. વલસાડમાં એકંદરે 6 ઈંચ જેટલો ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતાં. વલસાડ રેલવે સ્ટેશનથી લઈને અંડર પાસ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતાં. જેથી વાહનવ્યવહારને માઠી અસર પહોંચી હતી. રેલવે સ્ટેશન પર પાણી ભરાતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ભારે વરસાદના કારણે રોડ ઉખડી જતાં તંત્રની કામગીરીની પણ પોલ ખુલી ગઈ હતી.

વલસાડ જિલ્લાનો નોંધાયેલ વરસાદ : ઉમરગામ 148MM, કપરાડા 155MM, ધરમપુર. 86MM, પારડી. 180MM, વલસાડ. 137MM અને વાપી. 204MM વરસાદ નોંધાયો હતો.

સુરત જિલ્લાનો વરસાદ: બારડોલી 48 MM, ચોર્યાસી 51MM, કામરેજ 44MM, મહુવા 117MM, માંડવી 13MM, માંગરોળ 30MM, ઓલપાડ 8MM, પલસાણા 95MM અને સુરત 42MM વરસાદ નોંધાયો હતો.

દામનગરના કાચરડીમાં પડેલા અનરાધાર વરસાદનો વીડિયો સામે આવ્યો છે. ગઈકાલે કાચરડીમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. જેને લઈને ગામમાં પાણી ફરી વળ્યું હતું અને લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. લાઠીના ગ્રામ્ય પંથકમાં મેઘ મેહરથી આંબરડી, પીપળવા સહિતના ગામડાઓમાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

ધૂફણીયામાં દીવાલ ધસી પડતાં 4 પશુના મોત
અમરેલીના લાઠીના ધૂફણીયામાં વરસાદના કારણે દીવાલ ધરાશાયી થતાં 4 પશુઓનાં મોત થયા હતા. ઢાળીયામાં બાંધવામાં આવેલી 1 ગાય અને 3 વાછરડાના મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વલસાડમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા તંત્રની પરિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી તો રસ્તા પર વરસાદને કારણે વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી. વલસાડ ,વાપી,પારડી, ઉમરગામ જેવા વિસ્તારો મા.પાણી ભરાયાં હતાં.

વલસાડ જિલ્લામાં ગત રોજ મોદી સાંજથી વરસાદની શરૂઆત થતાની સાથે જ વલસાડ જિલ્લા વહીવટી તંત્રની પરિમોન્સૂન કામગીરી ની પોલ ઉઘાડી પડી હતી. વલસાડના અલગ અલગ વિસ્તારો જેવા કે તિથલ રોડ , દાણાબજાર , એમજી રોડ , છીપવાડ ગનારા ,મોગરવાડી અંદર પાસ રોડ વગેરે જગ્યાઓ પર પાણી ભરાયા હતા. માત્ર 4 કલાકના વરસાદમાં નગર પાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રની પરિમોન્સૂન કામગીરીની પોલ ખુલવા પામી હતી.

4 કલાકના વરસાદમાં મોગરવાડી ને વલસાડ શહેર સાથે જોડતો અંદર પાસ રોડ બંધ થવા થઇ ગયો હતો. વરસાદ પડતાંની સાથે વલસાડ નવનિર્મિત રેલવે સ્ટેશનના વેટિંગ રૂમમાં પણ પાણી ભરાઈ હતા. જોકે ઉલ્લેખનીય છે કે હાલ બનેલા રેલવે સ્ટેશન માં પેલા વરસાદમાં જો આવી રીતે પાણી ભરાતા લોકોમાં રોષનો માહોલ સર્જાયો હતો. પાણી ભરાવવાને કારણે યાત્રીઓને હાલાકી ભોગવી પડી હતી.

ભાવનગરના સિહોરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના પગલે સિહોર શહેરમાં પાણી ફરી વળ્યા છે. સિહોરની મુખ્ય બજારમાં પાણીમાં અનેક વાહનો તણાયા હતા. વરસાદના પાણીમાં અનેક જગ્યાએ લોકો ફસાયા હોવાની વાત પણ સામે આવી રહી છે.

ભાવનગરના મહુવા તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. મહુવાના બોરડી ગામે સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. સવા ઈંચ વરસાદ પડતાં સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યા હતા. બોરડી ગામના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યાં હતા.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 જિલ્લામાં વરસાદ પડ્યો છે. 90 તાલુકામાં 8 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ નોંધાયો છે. પારડીમાં 7.5, કપરાડામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરગામ અને વલસાડમાં 6 ઈંચ વરસાદ છે.ચાલુ ચોમાસામાં રાજ્યના તમામ તાલુકામાં વરસાદ

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. સવારે 2 કલાકમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ ડાંગ, નવસારી જિલ્લામાં વરસાદ નોંધાયો છે. ડાંગના વઘઈમાં 4 ઈંચ જેટલો વરસાદ, નવસારીના ખેરગામમાં 3.5 ઈંચ જેટલો વરસાદ અને વડોદરા અને વાંસદામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો