ગરવીતાકાત,અમદાવાદ તા:૨૨

ગુજરાતમાં કેટલાક ભાગોમાં છેલ્લા ૨૪ કલાકમાં હળવો વરસાદ હજુ પણ જારી રહ્યો છે. કચ્છમાં વરસાદ પડ્યો નથી પરંતુ સૌરાષ્ટ્ર અને રાજ્યમાં અનેક ભાગોમાં હળવા ઝાપટા પડ્યા છે. અમદાવાદમાં આજે આંશિક વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું જેના પરિણામ સ્વરુપે થોડાક સમય સુધી ગરમી અને થોડાક સમય સુધી ઠંડીનો અનુભવ પણ થયો હતો. ગુજરાતમાં હાલ બેવડી સિઝન જાવા મળી રહી છે. હાલમાં મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જ્યારે વહેલી પરોઢે પણ ઠંડીનો ચમકારો જાવા મળે છે પરંતુ બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થાય છે.

આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૨.૯ અને લઘુત્તમ તાપમાન ૨૨.૮ ડિગ્રી રહ્યું હતું. દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાઘ બારસ તા.૨૪ ઓક્ટોબરે અને ધનતેરસ તા.૨૫ ઓક્ટોબરે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. દિવાળીના દિવસે પણ વરસાદ પડે તેવી શક્યતા છે.

જા વરસાદ પડશે તો નવરાત્રિની જેમ દિવાળીની પણ મજા બગડી શકે છે, તેથી હવે હવામાન વિભાગની આગાહીને લઇને રાજયના પ્રજાજનોમાં થોડી નિરાશા અને ચિંતા પ્રસરી છે તો, ખેડૂતઆલમમાં પાકની નુકસાનીને લઇ ચિંતા વધી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર અને અપરએર સાયકલોનીક સક્રિય હોઇ આગામી પાંચ-છ દિવસ સુધી વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરાઇ છે.

દિવાળીના દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના જિલ્લા અને કચ્છમાં વધુ અસર વર્તાઈ તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં નવી સીસ્ટમ બની છે જે દિવાળી અને નવા વર્ષના દિવસે ગુજરાતના જિલ્લાઓ સુધી પહોંચી શકે છે.

ઉપરાંત તા.૨૩ અને ૩૦ ઓક્ટોબરે કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં બેવડી ઋતુમો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી હતી, પરંતુ અરબી સમુદ્રમાં ફરીથી વરસાદી સીસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજા સાથે સમાચાર શેર કરો.