સેટેલાઇટ તસવીર
સેટેલાઇટ તસવીર
શુક્રવારે રાજ્યમાં મેઘમહેર યથાવત્ રહી છે, સવારે છ વાગ્યાથી 12 વાગ્યા સુધી રાજ્યના 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

અમદાવાદ  :ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ પડશે.

આ વિસ્તારોમાં વરસાદની આગાહી: ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દાદરાનગર ડવેલી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, બરોડા, આણંદ, ખંડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ વિસ્તારમાં સારો વરસાદ પડશે.

શુક્રવારે રાજ્યમાં મેઘમહેર યથાવત્: શુક્રવારે રાજ્યમાં મેઘમહેર યથાવત્ રહી છે. સવારે છ વાગ્યાથી 12 વાગ્યા સુધી રાજ્યના 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વડોદરાના કરજણમાં નોંધાયો છે. આ ઉપરાંત બીજા નંબરે વલસાડના ઉમરગામમાં નોંધાયો છે.

NDRFની 15 ટીમ ખડેપગે: રાજ્યમાં ચોમાસું અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટ અને ગાંઘીનગરમાં બે-બે, સુરત, ભાવનગર, પાલનપુર, વલસાડમાં એક-એક ટીમ તેમજ વડોદરા હેડક્વાર્ટર ખાતે NDRFની સાત ટીમો ખડેપગે રાખવામાં આવી છે.

પાણીની લાઈનો તપાસવાનો આદેશ: ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા દરેક ગામમાં પાણીની લાઈનના ચેકિંગ માટે સરપંચ અને તલાટીઓને આદેશ કરાયા છે. ચોમાસાની સિઝન શરૂ થતા પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેની તકેદારી રૂપે આ આદેશ આપવામાં આવ્યો છે. ચેકિંગ દરમિયાન જો લિકેજ મળે તો 24 કલાકમાં ફોલ્ટ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લાની દરેક નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત પાસેથી પાણી અને ગટર લાઇનના નકશા પણ મંગાવવામાં આવ્યા છે. આના પરથી પાણીની લાઈન કેટલી જૂની છે તેની માહિતી તેમજ તે વિસ્તારમાં અગાઉ ફાટી નીકળેલા રોગચાળા અંગે પણ રીવ્યૂ કરવામાં આવશે.

બીજા સાથે સમાચાર શેર કરો.