વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સભાઓમાં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની વારંવાર ટીકા કરે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

            રાજીવ ગાંધીની વારંવાર ટીકા પાછળ નરેન્દ્ર મોદીની આ છે ગણતરી કૉંગ્રેસે તેમની ટીકાનો જવાબ આપતાં કહ્યું છે કે છેલ્લા પાંચ વર્ષની નિષ્ફળતાઓ માટે શું રાજીવ ગાંધી જવાબદાર છે? અત્યાર સુધીમાં મોદીએ કરેલી રાજીવ ગાંધીની ટીકા પર નજર નાખીએ તો – 1.”આપના(રાહુલ ગાંધી) પિતાને દરબારી લોકો મિસ્ટર ક્લીન કહેતા, પરંતુ તેમના જીવનનો અંત ભ્રષ્ટાચારી નં.1 તરીકે આવ્યો.”- 2.”જ્યારે રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે ગાંધી પરિવાર યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટનો ઉપયોગ ટેક્સીની જેમ કરતો હતો.” મોદીના નિવેદન પર કૉંગ્રેસના નેતા પવન ખેડાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, “બોફોર્સ, આઈએનએસ વિરાટ અંગે સવાલ ઊઠી રહ્યા છે અને અમે જવાબ આપવા માટે તૈયાર છીએ. મોદી કહે છે કે રાજીવ ગાંધી 30 વર્ષ પહેલાં અંદમાન ગયા હતાં. પણ તેઓ ‘સીરિયલ લાયર’ છે. વાઇસ એડમિરલ વિનોદ પસરિચાએ મીડિયાને કહ્યું છે કે રાજીવ ગાંધી એક સત્તાવાર મુલાકાત પર ગયા હતા પણ મોદી સચ્ચાઈથી વાત કરવા ઇચ્છતા નથી. તેમની પાસે કહેવા માટે કશું રહ્યું નથી.” લોકસભા ચૂંટણીના પાંચ ચરણ પૂરા થઈ ચૂક્યા છે હજુ બે ચરણનું મતદાન થવાનું બાકી છે. આ સ્થિતિમાં વડા પ્રધાન મોદી ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની સતત ટીકા કરી રહ્યા છે. વારંવાર રાજીવ ગાંધીનું નામ કેમ લઈ રહ્યા છે? શું તેની પાછળ કોઈ રાજકીય મતલબ છૂપાયેલો છે?


  • રાજીવ ગાંધીનો વારંવાર ઉલ્લેખ?

વરિષ્ઠ પત્રકાર રાશીદ કિદવઈના મતે “વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની સતત ટીકા કરી રહ્યા છે. તેની પાછળ બે વાત હોઈ શકે. એક તો લોકસભા ચૂંટણીમાં જીત પર તેમને બહુ વધારે વિશ્વાસ હોય, તેમને લાગતું હોય કે તેઓ 300થી વધુ બેઠકો જીતવા જઈ રહ્યા છે, અથવા તો તેમના મનમાં મૂંઝવણ હોય કે તેમની પાર્ટી માટે યોગ્ય માહોલ છે કે નહીં.” કિદવઈ કહે છે, “બોફોર્સ, 1984ના રમખાણો માટે મોદી રાજીવ ગાંધીની ટીકા કરે છે.પરંતુ આ મુદ્દામાં કોઈ નવી વાત નથી, આ બધું તો પહેલાંથી જ જાહેર છે.” વરિષ્ઠ પત્રકાર સુજાતા આનંદને કહ્યું, “મોદી લોકો સામે એવી વાતો લઈને આવી રહ્યા છે, જે તેઓ પહેલાંથી જ જાણે છે. તેના કારણે રાજીવ ગાંધી 1989માં ચૂંટણી હારી ગયા હતાં, તેથી જ મોદી 30 વર્ષ પછી એ જ મુદ્દા ફરી ઊઠાવી રહ્યા છે.” તેમના મતે, ‘મોદી સરકારની પાંચ વર્ષની સિદ્ધિઓ પર ચૂંટણી લડાવી જોઈએ. પરંતુ તેમની પાસે કોઈ નવો મુદ્દો નથી.’તેઓ આગળ કહે છે, “ભાજપની આંતરિક સમિતિના એક રિપોર્ટ મુજબ કદાચ તેમને ઉત્તર પ્રદેશમાં વધારે બેઠકો મળવાની શક્યતા ઓછી છે. તેથી રાજીવ ગાંધીનું નામ લોકોની ભાવના જગાડવા માટે લઈ શકે.”


  • શીખ મતદાતાઓની અસર?

બીબીસી પંજાબીના સંપાદક અતુલ સંગર કહે છે, “ઇન્દિરા ગાંધીએ 1984માં ઑપરેશન બ્લૂ સ્ટાર ચલાવ્યું હતું, ત્યાર બાદ જ તેમના સુરક્ષા ગાર્ડે તેમની હત્યા કરી હતી. ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દિલ્હીમાં મોટા કોમી હુલ્લડો થયા. રાજીવ ગાંધીએ ત્યાર બાદ એક નિવેદન આપ્યું હતું.” એ નિવેદન હતું – “જ્યારે એક મોટું વૃક્ષ પડે છે, તો ધરતી કાંપી ઊઠે છે.” અતુલ સંગરના મતે, “તેમના આ નિવેદનને શીખ નરસંહારના સમર્થનમાં માનવામાં આવ્યું. આ જ કારણે વિપક્ષો આજે પણ તેમનું નામ લે છે. વિરોધીઓ પણ શીખ સમુદાયને શીખોની હત્યાઓ યાદ અપાવા માગે છે. તેમના પ્રયત્નો છે કે શીખો એ દિવસો પણ યાદ રાખે.” “હવે દિલ્હી, હરિયાણા અને પંજાબમાં ચૂંટણીઓ યોજાવાની છે, જે ત્રણેય રાજ્યોમાં શીખ મતદાતાઓની સંખ્યા વધારે છે, ત્યારે નરેન્દ્ર મોદી લોકોને રાજીવ ગાંધીનો સમય યાદ અપાવવા માગે છે, જેથી શીખ મતદાતાઓને અસર કરી શકાય.”


  • કૉંગ્રેસ પાર્ટી વાત કેમ કરતી નથી?

કૉંગ્રેસ પાર્ટી શરૂઆતમાં રાજીવ ગાંધીની ટીકા પર જવાબ આપવાથી દૂર રહેતી હતી. પરંતુ હવે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો. રાહુલ ગાંધીએ કહ્યું, “તમારું કર્મ તમારી રાહ જુએ છે. તમે ગમે તેટલા તિરસ્કારથી વાત કરો, પણ હું તો તમને પ્રેમથી ભેટીશ.” પ્રિયંકા ગાંધીએ કહ્યું, “સૈનિકોના નામ પર મત ઇચ્છે છે તે વડા પ્રધાને એક ઇમાનદાર વ્યક્તિનું અપમાન કર્યું છે, અમેઠીના લોકો તમને જવાબ આપશે.” પરંતુ આ માત્ર પ્રતિભાવ છે, કૉંગ્રેસના નેતાઓ રાજીવ ગાંધીની ટીકા બાબતે કોઈ વાત કરતા નથી. અતુલ સંગર કહે છે, “રાજીવ ગાંધીના નામ સાથે બોફોર્સ, દિલ્લી અને પંજાબમાં કોમી રમખાણ જેવા મુદ્દાઓ સંકળાયેલાં છે. જ્યારે જ્યારે રાજીવ ગાંધીનું નામ આવે છે, ત્યારે આ મુદ્દાઓ પુનર્જિવીત થાય છે અને કૉંગ્રેસ આ ટીકાનો કોઈ યોગ્ય જવાબ આપી શકતી નથી.” મહારાષ્ટ્રના પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અશોક ચૌહાણે કહ્યું, “હું રાજીવ ગાંધીની ટીકા બાબતે એટલું જ કહીશ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે હાર માની ચૂક્યા છે, તેથી તેઓ ચૂંટણી પ્રચારમાં રાજીવ ગાંધી વિશે અપમાનજનક નિવેદનો કરે છે.”


  • મોદીની સ્પષ્ટતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો છે કે તેઓ રાજીવ ગાંધીની સતત ટીકા કેમ કરી રહ્યા છે. તેમણે ટાઇમ્સ નાઉને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, “જ્યારે કૉંગ્રેસના નેતા (રાહુલ ગાંધી)એ એક પત્રિકાને આપેલાં ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું નરેન્દ્ર મોદીની છબિને વેર-વિખેર કરવા માગુ છું તેથી તેઓ મારી વિરુદ્ધ ખોટા આરોપ લગાવી રહ્યા છે, તેથી મેં તેમની વિરુદ્ધ વાત કરવાનો નિર્ણય કર્યો.” મોદીએ કહ્યું, “તેમના પિતાને દરબારી લોકો મિસ્ટર ક્લીન કહેતાં, પરંતુ તેમનો અંત ભ્રષ્ટાચારી નંબર વન તરીકે થયો.” મોદીએ કહ્યું, “જો તમે દેશના નેતાની છબિને વેર-વિખેર કરવા માટે કોઈ પણ ખોટી રીતનો ઉપયોગ કરશો તો હું કહીશ કે દેશના પૂર્વ વડા પ્રધાન વિશે પણ વાત કરવી જોઈએ.”

શેર કરવા અહીં ક્લિક કરો.