ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો પૈકી જે શિક્ષકો વર્ષ 2010 પછી ભરતી થયા છે તેવા શિક્ષકોને અગાઉ 4200નો ગ્રેડ પે મળતો હતો, જેને 2800નો કરાતાં શિક્ષકોમાં આક્રોશ ફેલાયો છે.

જેને લઈ ઊંઝા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના શિક્ષકોએ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ સાથે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા. તાલુકાની કહોડા , ઉનાવા, વરવાડા, બ્રાહ્મણ વાડા, ડાભી, ચતુરપુરા, શંકરપુરા, સિહી સહિતની પ્રાથમિક શાળાના શિક્ષકોએ 4200 ગ્રેડ-પે અમારો અધિકાર તેવી માગણી લખી એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેઠા હતા.

આ અંગે ઊંઝા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 2010 પછી ભરતી થયેલા શિક્ષકોને 4200 ગ્રેડ પેની જગ્યાએ 2800નો કરવામાં આવતાં રાજ્યના 65 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકો પર આની અસર પડી છે. 

જોકે કોરોનાને લઈ શિક્ષકોએ બોર્ડ પર માગણી લખી એક જ દિવસના પ્રતીક ઉપવાસ પર બેઠા હતા. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઊંઝા તાલુકાની દરેક પ્રાથમિક શાળાના શિક્ષકોએ તેમની માગણીને લઈ એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા છે. તાલુકામાં 4200નો ગ્રેડ પે મેળવવા માંગતા શિક્ષકો અંદાજીત 200 જેટલા છે આ મુદ્દે શિક્ષકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે.