ગરવીતાકાત,અરવલ્લી (તારીખ:૨૪)

મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા તંત્ર સજ્જ કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર. ૩૨- બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષી બાયડ મતદાર વિભાગ અને જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી બાયડ મતદાર વિભાગના ૩૧૬ મતદાન મથકો પરથી ૨,૩૧,૧૦૩ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

૩૨ બાયડ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તા. ૨૨ સપ્‍ટેમ્બર-૨૦૧૯ના રોજ જાહેરાત થતાં જ બાયડ વિધાનસભા મતવિસ્તાર અને અરવલ્લી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. બાયડ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૧૯ને અનુલક્ષી અરવલ્લી કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કલેકટરશ્રીએ જણાવ્‍યું કે, ચૂંટણીપંચ દ્વારા તા.૨૨ સપ્‍ટેમ્બર-૨૦૧૯ના રોજ બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા અમલી બની છે.

તેમણે કહ્યું કે, બાયડ વિધાનસભાની પેટા ચૂંટણી તા.૨૧/૧૦/૨૦૧૯ના રોજ યોજાશે અને મતગણતરી તા.૨૪/૧૦/૨૦૧૯ના રોજ હાથ ધરવામાં આવશે. જેમાં બાયડ મતદાર વિભાગના ૩૧૬ મતદાન મથકો પરથી ૧,૧૮,૮૧૭ પુરૂષ અને ૧,૧૨,૨૮૬ સ્ત્રી મળી કુલ ૨,૩૧,૧૦૩ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૧૫૦૦થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. જયારે રાજકીય પક્ષો સાથે બેઠક યોજીને આચારસંહિતા અમલી અંગેની સમજ તેમજ ઇવીએમનું ફસ્ટ લેવલ  ચકાસણી પણ કરાઇ હોવાનું ઉમેર્યુ હતું.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રિતેશ દવે જણાવ્‍યું કે, મતદારો મતદારયાદી, ઇવીએમ, આચારસંહિતા અને ઉમેદવારના ચૂંટણી ખર્ચ વગેરેની માહિતી મેળવી શકે તે માટે ટોલ ફ્રી હેલ્‍પલાઇન નં. ૧૯૫૦ ઉપર સંપર્ક કરી શકશે. તેમણે કહ્યું કે, આ હેલ્પલાઇન પર લોકો ચૂંટણી સંબંધિત કમ્પલેઇન અને ફિડબેક પણ આપી શકે છે. વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન નાગરિકો આચારસંહિતા ભંગની ફરીયાદ સીવીજીલ એપ પર પોતાની ઓળખ આપીને અથવા ઓળખ આપ્‍યા સિવાય પણ કરી શકશે. તેમણે કહ્યું કે સુવિધા એપ્લિકેશન દ્વારા ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો સભા, સરઘસ, વાહનની પરવાનગી, લાઉડ સ્પીકર, હેલીકોપ્‍ટર વગેરેની પરવાનગી મેળવી શકશે. આ સુવિધા માટે સિંગલ વિન્ડો સીસ્ટમ પણ કાર્યરત કરવામાં આવશે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્‍યું હતુ કે, વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચૂંટણી ખર્ચના દેખરેખ માટે  એફ.એસ.ટીની ૫, એસ.એસ.ટીની ૯, વી.એસ.ટીની ૩ જયારે વીવીટી, એ.ટી અને એ.ઇ.ઓની એક-એક ટીમ સાથે ૧૯ નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટર શ્રી આર.જે.વલવી, સહાયક માહિતી નિયામકશ્રી હરીશ પરમાર સહિત પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયાના પત્રકારમિત્રો ઉપસ્‍થિત રહ્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: