ગુજરાતમાં વિજય રૂપાણીના સીએમ તરીકે 5 વર્ષ પુરા થતાં, રાજ્યભરમાં કાર્યક્રમોને અનુલક્ષીને આજ રોજ ગૃહમંત્રી પ્રદીપસીંહ જાડેજાએ મહેસાણાના ટાઉન હોલ ખાતે નારી ગૌરવ દિવસના કાર્યક્રમ યોજ્યો હતો. એવામાં મહેસાણા શહેર મહિલા કોંગ્રેસ દ્વારા મહિલા સરંક્ષણ અને અધિકાર મામલે કલેક્ટરને આવેદન પત્ર સોંપવામાં આવ્યુ હતુ. જેમાં રેપ, છેડતીના બનાવો તથા કોરોનાકાળમાં વિધવા બનેલ મહિલાઓને સહાય આપવા બાબતે યોગ્ય પગલા ભરવા રજુઆત કરવામાં આવી હતી. 

આ પણ વાંચો – ગુજરાત : 4 વર્ષમાં 1095 બેરોજગારોની આત્મહત્યા – 6 ઓગસ્ટે યુવા શક્તિ દિનની ઉજવણી કરશે રૂપાણી સરકાર !

આજ રોજ રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણ દિવસની ઉજવણી કરી રહી છે, તેની સમાનાંતર મહિલા કોંગ્રેસના એક ડેલીગેશને મહેસાણા કલેક્ટરને આવેદન પત્ર સોંપી મહિલા રક્ષણ, તથા મોંઘવારીને પગલે ઘરનુ ગુજરાન ચલાવવા ગૃહીણીઓને જે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે બાબતે સરકાર તરફથી યોગ્ય પગલા ભરવા રજુઆત કરી હતી. આ સાથે કોંગ્રેસ દ્વારા મહિલાઓ વિરૂધ્ધ થતાં ગુનાઓની આંકડાકીય માહિતી પણ જોડવામાં આવી હતી. 

મહેસાણા શહેર મહિલા કોંગ્રેસના પ્રમુક મેઘા પટેલની આગેવાનીમાં કલેક્ટર સમક્ષ રજુઆત કરાઈ હતી કે, શહેર અને ગામડાઓમાં રેપ, છેડતી તથા અપહરણના કેસ વધી રહ્યા છે. આ સાથે કોરોનાકાળમાં પુરૂષોના મોતના કારણે જે મહિલાઓ વિધવા બની છે તેવી મહિલાઓને ઘરનુ ગુજરાન ચલાવવમાં મુશ્કેલી પડી રહી છે. માટે આવી વિધવા મહિલાઓને રોજગાર આપવમાં આવે, તથા તેમના સંતાનોની શિક્ષણ ફી માફ કરવામાં આવે. 

પ્રમુખ મેઘા પટેલની સાથે કોર્પોરેટર જલ્પા પટેલ, અલ્પા મીણા,  શિલ્પા દેસાઈ, દેવીકા ભાટીયા, એમ કે યાદવ, લતાબેન, જ્યોતીબેન, ભાવના વ્યાસ સહીતની મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.  

Contribute Your Support by Sharing this News: