ભારતને વિકાસના પાટે દોડતું કરવા પીએમ મોદીએ 5 ‘આઈ’નો મંત્ર આપ્યો

ગમ્યું તો આગળ શેર કરો.

-પીએમ મોદીએ ફાઈવ ‘આઈ’, ઈન્ટેન્ટ, ઈન્ક્લુઝન, ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈનોવેશનને ખૂબજ મહત્વના ગણાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનો આર્થિક વિકાસ ચોક્કસપણે ફરી પરત ફરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો તેમજ સરકાર વિવિધ રિફોર્મ પણ હાથ ધરશે તેમ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝના વાર્ષિક કાર્યક્રમમાં ઉદ્ઘાટન સંબોધનમાં જણાવ્યું હતું. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે કોરોના વાયરસ મહામારી સામે લડવા કેન્દ્ર સરકારે ખૂબજ આકરા પગલાં લીધા અને અર્થવ્યવસ્થાનું પણ ધ્યાન રાખ્યું હતું.

તેમણે જણાવ્યું કે, ‘એકતરફ આપણે લોકોના જીવ પણ બચાવવાના હતા અને બીજીતરફ અર્થતંત્રને સ્થિર રાખવા સાથે તેની ગતિ પણ વધરવાની હતી. ચોક્કસપણે આપણે આપણો ગ્રોથ પરત હાંસલ કરી શકીશું.’ પીએમે વધુમાં જણાવ્યું કે આ સંકટની ઘડીમાં આટલા આત્મવિશ્વાસ સાથે હું આ વાત કરી રહ્યો છું તેનું કારણ ભારતીયોની પ્રતિભા અને ક્ષમતા તેમજ દેશની ક્રાઈસ મેનેજમેન્ટની યોગ્યતા છે. યુવાનો અને ટેક્નોલોજી પર મને વિશ્વાસ છે.અર્થતંત્રને પુનઃ ધબકતું કરવા માટે ખેડૂતો, નાના ઉદ્યોગકારો અને ઉદ્યોગસાહસિકો પાસેથી તેમને વિશ્વાસ પ્રાપ્ત થાય છે તેમ પીએમએ આ લોકોનો જુસ્સો વધારતા જણાવ્યું હતું. કોરોનાને પગલે દેશના અર્થતંત્રની ગતિ ધીમી પડી છે પરંતુ હવે દેશમાં અનલોક વન સાથએ જ લોકડાઉન ખોલી દેવાયું છે. પ્રથમ ચરણમાં અર્થતંત્રના મોટાભાગને ખોલી દેવામાં આવ્યો છે તેમ વડાપ્રધાને ઉમેર્યું હતું. ભારતને ફરી વિકાસના પાટે દોડતું કરવા માટે પીએમ મોદીએ ફાઈવ ‘આઈ’, ઈન્ટેન્ટ, ઈન્ક્લુઝન, ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈનોવેશનને ખૂબજ મહત્વના ગણાવ્યા હતા. આ પાંચ મુદ્દાને ગુજરાતીમાં સમજીએ તો ઉદ્દેશ, સમાવેશતા, રોકાણ, માળખાકીય વ્યવસ્થા અને નવિનતા એમ થાય છે. પીએમે સીઆઈઆઈના કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે અમારા માટે રિફોર્મ કોઈ અવ્યવસ્થિત કે છૂટોછવાયો નિર્ણય નથી. અમારી માટે તેનો અર્થ વ્યવસ્થિત, યોજનાપૂર્વક, એકીકૃત, એકબીજાસાથે સંલગ્ન અને ભાવિ પ્રક્રિયા છે. વડાપ્રધાનના મતે રિફોર્મનો અર્થ કપરા નિર્ણયો લેવાનું સાહસ અને તેને તાર્કિક નિષ્કર્સ સુધી પહોંચાડવાનો છે. સીઆઈઆઈના 125માં વર્ષે તેની વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે તેના સેશનની થીમ ગેટિંગ ગ્રોથ બેક રાખવામાં આવી હતી. આ સભામાં દેશના ટોચના બિઝનેસ હાઉસીસના દિગજ્જ લોકો હાજર રહ્યા હતા.

ગમ્યું તો આગળ શેર કરો.