પાલનપુરના મફતપુરામાં વરસાદી પાણીના નિકાલની કામગીરી માટે પાઇપો ઉતારવામા આવી

શેર કરવા અહીં ક્લિક કરો.

રહીશોએ નગરપાલિકા કચેરીએ ધરણા સાથે રજુઆત કરાયા બાદ પાલિકા તંત્ર જાગ્યું

પાલનપુરના મફતપુરા વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં દર વર્ષે શહેરના મફતપુરા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળતાં ઘરવખરી પણ પાણીમાં તણાઈ જતાં ભારે નુકસાન વેઠવાનો વારો આવતો હોઇ ગતરોજ આ બાબતે મકબરા વિસ્તારના રહીશોનું ટોળું નગરપાલિકા કચેરીએ ધસી આવ્યું હતું અને ધરણા કરી આ બાબતે રજૂઆત કરતાં પાલિકા પ્રમુખે કામગીરી શરૂ કરવાની ખાતરી આપ્યા બાદ આજે આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી માટે પાઇપો મંગાવી કામગીરીનો  પ્રારંભ કરાતાં રહીશોઅે રાહત અનુભવી હતી.

પાલનપુર મફતપુરા ખાતે દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાઇ જતું હોય મોટી પાઇપ લાઇન નાખવા બાબતે આ વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ જિલ્લા કલેક્ટરના આદેશ છતાં નગરપાલિકા દ્વારા આ બાબતે ઢીલી દાખવી મોટી પાઇપ લાઇન નાખવાની કામગીરી ખોરંભે ચડાવી દેવાતાં આગામી ચોમાસાની ઋતુમાં પણ વરસાદી પાણી ભરાઇ રહેવાથી આ વિસ્તારના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે તેવી સંભાવના વચ્ચે ચોમાસાની ઋતુ પહેલા આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે મોટી પાઇપ લાઇન નાખવાની કામગીરી તાકીદે હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. ચોમાસાની ઋતુ દરમિયાન આ વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાઇ જતું હોવાથી લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરી સહિતની ભારે નુકસાની વેઠવી પડે છે. ચાલુ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં ફરીથી લોકોને આ મુશ્કેલી પડે તેમ હોઇ આ વખતે પણ સમસ્યા ન સર્જાય તે માટે ગતરોજ આ વિસ્તારના રહીશોનું ટોળું મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરીએ આવી પહોંચ્યું હતું અને નગરપાલિકાના પ્રમુખ સમક્ષ રજૂઆત કરતાં પાલિકા પ્રમુખે કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી. દરમ્યાન આજે મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી માટે પાઇપો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવતા હવે વરસાદી પાણીના નિકાલનો નિવેડો આવે તેમ જણાતાં રહીશોએ રાહત અનુભવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.