અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં-૮નું રીનોવેશન થઈ રહ્યું છે. આ હાઈવે પહેલા ફોરલેન હતો તેને અપડેટ કરીને સીક્સ લેન બનવા જઈ રહ્યો છે. ત્યારે આ માર્ગ ઉપર રાત દિવસ કામ ચાલી રહ્યા છે. ત્યારે ભિલોડા તાલુકાના રંગપુર સીમમાંથી પસાર થતા આ હાઈવે ક્રોસ કરીને ગામના ધો-૧ થી ૮ના વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે જે ખુબ જ જોખમી છે. ત્યારે આ માર્ગ ઉપર રંગપુર ગામની સીમમાં ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને નેશનલ હાઈવે ઓથોરિટી તંત્રમાં પણ વારંવાર રજૂઆત કરવા છતાં આંખ આડે કાન કરાતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી બાળકો સાથે હાઈવે નં.૮ પર ચક્કાજામ કરી પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં સુધી ઓવરબ્રિજ કે અન્ડરબ્રીજની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલવાની ચીમકી ઉચ્ચારી હતી.

અરવલ્લી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નં-૮ સીક્સ લેન બની રહ્યો છે. જેનું કામ હાલમાં જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે ભિલોડા તાલુકાના રંગપુર ગામની સીમમાંથી પસાર થતા હાઈવે પરથી રંગપુરના વિદ્યાર્થીઓને જોખમી રસ્તો ઓળંગીને સ્કૂલે જવું પડે છે. સ્કૂલે જતા નાના ભૂલકાઓ માટે આ માર્ગ ખૂબ જોખમી હોવાને કારણે રંગપુરના ગ્રામજનો દ્વારા અગાઉ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રંગપુરના ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ધો-૧ થી ૮ના વિદ્યાર્થીઓને દિવસભર માતેલા સાંઢની જેમ દોડતા મોટા મોટા વાહનોને કારણે જીવનું જોખમ ખેડીને માર્ગ ઓળંગવો પડી રહ્યો છે. હાઈવે ઓળંગતી વખતે ક્યારે કોઈ માસુમનો અકસ્માત થઈ જાય તે અંગે વાલીઓને ભારે ચિંતા રહે છે અને બાળક હેમખેમ ઘરે પરત આવે ત્યારે માતાપિતાને શાંતિ થાય છે. નેશનલ હાઈવે ઓથોરીટી કે સરકાર દ્વારા ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ અને હાઈવે ઓથોરિટીની ઢીલી કામગીરી તેમજ તેમને જગાડવા માટે ગ્રામજનોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે, જ્યાં સુધી અહીં અંડરપાસ બનાવવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે, એટલું જ નહીં શાળાનું શિક્ષણ કાર્ય પણ હાલ બંધ કરી દેવાયું છે. જ્યાં સુધી ગ્રામજનોની માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલું રહેશે તેવું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. આ પહેલા પણ ગ્રામજનો દ્વારા આંદોલનો કરવામાં આવ્યા હતા, જો કે તંત્ર તેમજ હાઈવે ઓથોરિટી દ્વારા કોઇ જ નક્કર પગલા ન લેવાતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરીને ઉગ્ર દેખાવ કર્યો હતો.

Contribute Your Support by Sharing this News: