ગરવી તાકાત, પાલનપુર 
પાલનપુરમાં ગેરકાયદેસર થયેલા બાંધકામોની માહિતી અરજદારને પૂરી ન પાડતા રાજ્ય માહિતી કમિશનર દ્વારા દંડ ફટકારાયો.
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના રાજમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે. ત્યારે ગેરકાયદે બાંધકામો અંગેની માહિતી સમય મર્યાદામાં અરજદારને પુરી ન પાડવા બદલ પાલનપુર નગરપાલિકાના વર્તમાન અને તત્કાલિન ચીફ ઓફિસરને માહિતી કમિશનર દ્વારા પ્રત્યેકને રૂ.દસ હજાર રૂપિયાનો દંડ ફટકારતા ચકચાર મચી જવા પામી છે.
પાલનપુર શહેરમાં જિલ્લા પંચાયતની સામે  આવેલા શોપિંગ સેન્ટરોના લે- આઉટ પ્લાન અને તેમજ શહેરના કોઝી વિસ્તાર અને ઢુઢીયાવાડી વિસ્તારમા મંજૂરી વગર થયેલા બાંધકામ વિરુદ્ધ પાલિકા દ્વારા કરાયેલી કાર્યવાહીની વિગતો અરજદાર કાંતિભાઈ સોલંકી દ્વારા નગરપાલિકામાં માગવામાં આવી હતી.
જોકે નગરપાલિકા દ્વારા અરજદારને અપૂરતી અનેે અધુરી માહિતી પૂરી પાડવામાં આવતા અરજદારે જાહેર માહિતી કમિશનરને અપીલ કરી હતી. અપીલ સંદર્ભે માહિતી કમિશનર દ્વારા નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર પંકજ બારોટ ને દસ દિવસમાં વિનામૂલ્યે માહિતી પુરી પાડવાનો આદેશ કર્યો હતો.
જોકે, અરજદારે વારંવાર અપીલ કરી હોવા છતાં તત્કાલીન ચીફ ઓફિસર પંકજ બારોટ અને વર્તમાન ચીફ ઓફિસર સતીશ પટેલ અરજદારને જાહેર માહિતી અધિકાર હેઠળ માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જતા રાજ્યના માહિતી કમિશનર દ્વારા તત્કાલીન ચીફ ઓફિસર પંકજ બારોટ અનેે વર્તમાન ચીફ ઓફિસર સતીષ પટેલ પ્રત્યેકને રૂ.10 હજાર રૂપિયાનો  દંડ ફટકાર્યો છે.
Contribute Your Support by Sharing this News: