ગરવીતાકાત બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુળીયા ઘાટ પાસે ગતરોજ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દસ જેટલા લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં બેદરકારી દાખવવા બદલ પાલનપુર આરટીઓ અધિકારી ડી.એસ.પટેલને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કમિશનર દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વણથંભી વણઝાર મંડાણી છે. ત્યારે રાજ્યમાં ચોવીસ કલાક રાઉન્ડ ધ કલોક ચેકિંગ પોઇન્ટ ઉભા કરવાની સૂચનાનું પણ બનાસકાંઠામાં ઉલ્લંઘન થઇ રહ્યું હતું. દરમિયાન ગતરોજ અંબાજી નજીક સર્જાયેલા જીવલેણ અકસ્માતમા ૧૦ જેટલા લોકોના મોતને પગલે પાલનપુર આરટીઓ અધિકારીની બેદરકારી જણાઈ આવતાં રાજ્યના વાહન વ્યવહાર કમિશનર દ્વારા તેઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. મોટર વાહન ખાતામાં હાલમાં માર્ગ સલામતી માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે હાલ રાજ્યમાં ચોવીસ કલાક રાઉન્ડ ધ કલોક જુદા જુદા ૩૨ સ્થળોએ ચેકિંગ કાર્યવાહી કરી રસ્તા પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંગે સંબંધિત આરટીઓ એઆરટીઓ યોગ્ય રીતે વ્યવસ્થા કરવા વાહન વ્યવહાર કમિશનરની કચેરી ગાંધીનગરના પત્રથી ૭ મે ના રોજ જાણ કરવામાં આવેલી છે. આ ઘટના પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાલનપુરના કાર્યક્ષેત્રમાં આવતી હોય સરકારના એન્ફોર્સમેન્ટ અને રોડ સેફ્ટીને વધુ પ્રાધાન્ય આપવા છતાં ભારવાહક વાહનોમાં નિયમો વિરુદ્ધ તેમજ ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરાફેરીને ન અટકાવી પાલનપુર આરટીઓ અધિકારી ડીએસ પટેલે ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવતાં ઉપરાંત પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પટેલે કમિશ્નર વાહન વ્યવહાર દ્વારા ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી વડી કચેરીને ગંભીર અકસ્માત બાબતે વાકેફ કરેલ અને સ્થળની મુલાકાત લેવામાં પણ તેઓએ દુર્લક્ષ્ય સેવેલ હોવાનું જણાય આવતા આ બાબતની ગંભીર નોંધ લઈ વાહન વ્યવહાર કમિશ્નર ગુજરાત રાજ્ય ગાંધીનગર સોનલ મિશ્રા દ્વારા તેઓને ફરજ મોકૂફી પર ઉતારી દેવામાં આવ્યા છે.

Contribute Your Support by Sharing this News: