નગરપાલિકાના પ્રિ મોન્સુન પ્લાનની કામગીરીનો ફિયાસ્કો, કેટલાક વિસ્તારોમાં કામગીરી અધૂરી
ગરવીતાકાત પાલનપુર: પાલનપુરમાં પ્રથમ વરસાદમાં જ જાહેર માર્ગો પર તેમજ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં નગરપાલિકાના પ્રિ મોન્સૂન પ્લાનનો ફિયાસ્કો થઈ જવા પામ્યો છે. અને ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ છે ત્યાં પાલનપુરના બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં તો હજુ સુધી કામગીરી અધૂરી હોય લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય તેવી ભીતિ વચ્ચે પાલિકાના સત્તાધિશો સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર શહેરમાં વરસાદની ઋતુ સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા હોય તેમજ કેટલીક સોસાયટીઓમાં તો ઘરવખરી પણ તણાઇ જાય તે પ્રકારે પાણી ભરાતા હોય છે. જેમાં પૂર હોનારત સમયે તો પાલનપુરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન શહેરના કેટલાક વિસ્તારો કે જ્યાં નિત્યક્રમે પાણી ભરાઈ જાય છે. તેવા બ્રિજેશ્વર કોલોની વિસ્તાર સહિતના વિસ્તારોમાં પ્રિ મોન્સૂન પ્લાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં દર વર્ષે લોકોના ઘરોમાં પાણી ઘુસી જાય તેટલું પાણી ભરાઇ જતું હોય આ વર્ષે વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરાઇ હતી. જોકે ચોમાસાની ઋતુનો પ્રારંભ થઈ ગયો પરંતુ આ કામગીરી હજુ સુધી અધૂરી હોય લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય તેવી ભીતિ વચ્ચે નગરપાલિકા સામે આ વિસ્તારના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આટલું જ નહીં પાલનપુર શહેરના અન્ય વિસ્તારોમાં પણ પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઇ જતાં લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જેમાં પાલનપુર શહેરના સુખબાગ રોડ વિસ્તારમાં પાણી ભરાઇ જવાથી લોકોને ચાલવું પણ મુશ્કેલ બને તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે નગરપાલિકાના પ્રિમોન્સુન પ્લાનની કામગીરીનો ફિયાસ્કો થઈ ગયો હોય તેવું જણાઈ રહ્યું છે.
4 Attachments
Contribute Your Support by Sharing this News: