કેરળમાં હાથણીની હત્યાથી રતન ટાટા, કોહલી સહિત દિગ્ગજોમાં રોષ

ગમ્યું તો આગળ શેર કરો.

કેરળના મલ્લાપુરમમાં ભૂખી અને ગર્ભવતી હાથણીને અનાનસમાં ફટાકડાનો દારૂ ભરતીને કેટલાક લોકોએ આપ્યો એટલે તેનું મોત થયું. આ ઘટનાને કારણે આખા દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. ઉદ્યોગપતિ રતન ટાટાએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને હાથણી સાથે કરવામાં આવેલા આ અમાનુષી વ્યવહારને હત્યા ગણીને ન્યાયની માંગ કરી છે. રતન ટાટાએ ટ્વીટ કરીને લખ્યું કે, હું જાણીને દુઃખી અને સ્તબ્ધ છું કે, કેટલાક લોકોએ ફટાકડાનો દારૂ ભરેલું અનાનસ આપ્યું એટલે ગર્ભવતી હાથણીનું મોત થઈ ગયું. નિર્દોષ જનાવરો પ્રત્યે આ પ્રકારનું ગુનાહિત વલણ એ ઈરાદાપૂર્વક કરવામાં આવેલી હત્યા છે.ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ મામલે ટ્વીટ કરતા લખ્યું કે, કેરળની આ ઘટનાથી હું દુઃખી છું. જનાવરો સાથે પ્રેમ રાખીએ અને આ પ્રકારના કૃત્યોને બંધ કરીએ. કોહલીની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, આપણે પશુ-ક્રૂરતા વિરુદ્ધ કડક કાયદાની જરુર છે. અનુષ્કાએ ગુનેગારોને કડક સજા કરવાની માંગ કરી છે. ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ એક ટ્વીટમાં લખ્યું કે, એક ગર્ભવતી હાથણી જેણે કોઈને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન કર્યું નહોતું. એની સાથે જેણે પણ આ કૃત્ય કર્યું છે તે દાનવ સમાન છે અને આશા રાખું છું કે, એણે આનાથી વધારે ભોગવવું પડશે. આપણે વારંવાર પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. ભારતીય વિકેટકીપર રિષભ પંતે પોતા ના ટ્વીટમાં લખ્યું કે, કેરળમાં ગર્ભવતી હાથણીના મોતની ઘટનાના સમાચાર મળતા જ મારું દિલ તૂટી ગયું. હું ક્રોધિત છું કે, આખરે કોઈ આટલું ક્રૂર કઈ રીતે હોઈ શકે છે. આશા રાખું છું કે, દોષિતોને કડક સજા કરવામાં આવશે.હાથણીના મોતના મામલે ભાજપનાં સાંસદ મેનકા ગાંધીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. એમણે હાથણીના મોતને હત્યા તરીકે ગણાવી છે અને કહ્યું છે કે, મલ્લાપુરમ આ પ્રકારની ઘટનાઓ માટે કુખ્યાત છે. આ સાથે જ મેનકા ગાંધીએ કેરળના વાયનાડથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે, વનવિભાગના સચિવને હટાવી દેવા જોઈએ. વન્ય જીવ સંરક્ષણ મંત્રીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ. રાહુલ ગાંધી તે જ ક્ષેત્રમાંથી આવે છે તો કાર્યવાહી કેમ ન કરી. કેરળ દેશનું સૌથી મોટું હિંસક રાજ્ય છે. અહીંયા લોકો રોડ પર ઝેર ફેંકી દે છે જેનાથી 300 થી 400 પક્ષીઓ અને શ્વાન એક સાથે મરી જાય. કેરળમાં દર ત્રીજા દિવસે એક હાથીને મારી નાંખવામાં આવે છે. કેરળ સરકારે મલ્લાપુરમ મામલે હજી પણ કોઈ કાર્યવાહી નથી કરી.

ગમ્યું તો આગળ શેર કરો.