ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૨૬)

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના શંખલપુર ગામથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.વાય.દક્ષિણીએ  “ પ્રિય બાળકી “ અંતર્ગત જિલ્લામાં નવીન જન્મ પામનાર બાળકીઓને રૂ.1000 નો ચેક,એક જોડી કપડાં અને 500 ગ્રામ મીઠાઇ આપી બાળકીનું સન્માન કરવાની શરૂઆત કરાઇ છે. રાજ્યમાં સૌ પ્રથમ પ્રેરણાદાયી આ પ્રકારના પગલાં થકી બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાનને બળ મળ્યું છે.મહેસાણા જિલ્લામાં દર મહિનાના બીજા શુકવારે સરપંચશ્રી અને તલાટીશ્રી દ્વારા ગામની નવીન જન્મેલ દિકરીનું સન્માન   “ પ્રિય બાળકી યોજના” અંતર્ગત કરશે

 મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના શંખલપુર ગામે બંધારણ દિવસની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.વાય.દક્ષિણીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.આ દિવસે યોજાયેલ ખાસ ગ્રામસભામાં બંધારણાના આમુખનું ગ્રામજનો દ્વારા વાંચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા બંધારણ પાલનના શપથ લેવામાં આવ્યા હતા.જિલ્લાના બાળકોમાં પણ બંધારણ અંગે જાગૃતિ આવે તે  માટે વકૃત્વ સ્પર્ધા અને લેખન સ્પર્ધાનું આયોજન કરાયું હતું.આ દિવસે બંધારણ નિષ્ણાત વક્તાઓને બોલાવી બંધારણ વિશે વિગતે સમજ આપવામાં આવી હતી.  બંધારણ દિવસ નિમિત્તે 1950 પહેલાં જન્મેલ જે બંધારણના સાક્ષી બન્યા છે તેવા તમામ વડીલોને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આજે જિલ્લામાં બેટી બચાવો-બેટી પઢાઓ અંતર્ગત ખાસ કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી.જિલ્લામાં નવીન જન્મેલ દિકરીઓના સન્માન માટે “પ્રિય બાળકી” નામ તળે રૂ.1000 નો ચેક,મીઠાઇ અને એક જોડ કપડાં આપવાનીન શરૂઆત કરાઇ છે. જે અંતર્ગત આજે બંધારણ દિવસે ઓક્ટોબર માસમાં જન્મેલ આઠ બાળકીઓનું સન્માન શંખલપુર ગામે કરાયું હતું. આ આઠ દિકરીઓને  રૂ.1000 ના ચેક, એક જોડી કપડાં અને  મીઠાઇ આપી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સન્માનીત કરાઇ હતી.દિકરીઓના સન્માન માટેનો  આ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ શરૂઆત છે જે અંગેનો ખર્ચ 14 નાં નાણાં પંચના અનુંદાનમાંથી કરવામાં આવે છે. બેટી બચવો- બેટી પઢાઓ અભિયાન તળે શરૂ થયેલ આ પ્રેરણાદાયી શરૂઆત અંતર્ગત દર મહિનાના બીજા શુક્રવારે તલાટીશ્રી અને સરપંચશ્રી દ્વારા નવીન જન્મ પામેલ દિકરીઓને પ્રિય બાળકી નામ તળે સન્માન કરવામાં આવશે

તસ્વીર અહેવાલ અંકુર ચૌધરી મહેસાણા 

Contribute Your Support by Sharing this News: