કોવિડ હોસ્પિટલ મોડાસામાં ૪ દિવસથી શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે દાખલ થયેલા વૃદ્ધને કોઈ પણ પ્રકારની સારવાર આપવામાં આવતી ન હોવાની અને ચાર દિવસ થવા છતાં કોરોનાનો રિપોર્ટ પણ આપવામાં ન આવતા દાદાનું દુઃખ ન જોઈ શકતા પૌત્રે કોવિડ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા આરોગ્ય તંત્રએ કોરોનામાં થઈ રહેલી કામગીરીના ફૂલાવેલા ફુગ્ગાની હવા નીકળી ગઈ હતી. હાલ તો દર્દીઓ ભગવાન ભરોશે કોરોના સામે જંગ લડી રહ્યા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે.સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતા તંત્રમાં ભારે દોડધામ મચી હતી અને સમગ્ર ઘટનાને ઢાંકવા પ્રયત્નો હાથધર્યા હતા દાદા અને પૌત્ર બંને હાલ સાર્વજનિક હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં છે સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરનાર પૌત્રનો કોરોનાનો રિપોર્ટ પોઝેટીવ આવતા પરિવારજનો ચિંતિત બન્યા છે. જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંક ૧૧૧ પર પહોંચ્યો હતો.

મોડાસાની કોવિડ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે સારવાર અર્થે દાખલ થયેલા દાઉદભાઈ સુથાર નામના વૃદ્ધને છેલ્લા ૪ દિવસથી કોઈ પણ પ્રકારની સારવાર આપવામાં આવતી ન હોવાની અને ચાર દિવસ થવા છતાં કોરોનાનો રિપોર્ટ પોઝેટીવ છે કે નેગેટિવ તે અંગે પણ આરોગ્યતંત્ર જવાબ સુધ્ધો ન આપતા અને સારવારના અભાવે વૃદ્ધની દિવસેને દિવસે હાલત ખરાબ થતા અને દર્દથી કણસતા દાદાનું દુઃખ ન જોઈ શકતા પૌત્રે કોવિડ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો હતો અને મોડાસાની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને ઉત્તમ સગવડ આપવામાં આવતી હોવાના તંત્રના દાવાની હવા નીકળી ગઈ હતી

અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝેટિવ અને શંકાસ્પદ કોરોનાના દર્દીઓ માટે મોડાસાની સાર્વજનિક અને બાયડની વાત્રક હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.બંને કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકી અંગે સમયાંતરે દર્દીઓ સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરતા રહે છે. વીડિયો વાઈરલ થતા તંત્ર દોડતું થતું હોય છે. આરોગ્યતંત્ર કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને પડતી તકલીફ અંગે આંખ આડે કાન કરતા દર્દીઓએ સોશિયલ મીડિયાનો સહારો લેવો પડે છે પરંતુ કેમ જાણે આરોગ્ય તંત્ર સુધારવાનું નામ લેતું નથી તે અંગે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.