ગરવીતાકાત.(તારીખ:૦૭)

છેલ્લાં કેટલાક સમયથી વિવિધ રેસ્ટોરન્ટ્સના ફૂડમાંથી ઈયળ, જીવાત નીકળવાના બનાવો વધી રહ્યાં છે. તો અનેક ફૂડ વિક્રેતાઓ ગ્રાહકોની હેલ્થ સાથે ચેડા કરે છે, ત્યારે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ ગ્રાહક રેસ્ટોરન્ટ્સના કિચનને સરળતાથી જોઈ શકશે.

ફૂડમાં જીવાત નીકળવાના બનાવોને કારણે રેસ્ટોરન્ટ્સના કિચનની સ્વચ્છતા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. તો હવે જાગૃત નાગરિકો આરોગ્ય વિભાગમાં આ વિશે ફરિયાદો પણ કરતા થયા છે. ત્યારે ગ્રાહકોની સતત થઈ રહેલી ફરિયાદોના પરિપ્રેક્ષ્‍યમાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ, રાજ્યની હોટલ-રેસ્ટોરન્ટ સહિતની ખાણીપીણીની કેન્ટીનના રસોડાઓમાં હવે સ્વચ્છતા જોવા કોઈ પણ ગ્રાહક અંદર જઈ શકશે. તેમજ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હોટેલો રેસ્ટોરન્ટોના રસોડા બહારના ‘No admission without permission’ના બોર્ડ લગાવી શકે નહીં એવો પણ આદેશ કર્યો છે.

આ ઉપરાંત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રસોડાને બહારથી ગ્રાહકો જોઈ શકે તેવો રાખવાનો નિયમ કરતો પરિપત્ર રજૂ કર્યો છે. આમ, રૂપિયા ખર્ચીને રેસ્ટોરન્ટસમાં જનાર ગ્રાહક જાતે જ રેસ્ટોરન્ટ્સની સ્વચ્છતાની ચકાસણી કરી શકશે. જેથી ત્યાં ખાવું કે ન ખાવું તે નક્કી કરશે. આ પરિપત્રનો અમલ આજથી જ થશે. આવા નિયમો કરવા પાછળનો હેતુ રેસ્ટોરન્ટ્સની સ્વચ્છતા વધારવાનો તથા લોકો હેલ્ધી ફૂડ આરોગે તેવો છે.

બીજા સાથે સમાચાર શેર કરો.