માણાવદર નગરપાલીકાના સભ્યોને ગેર લાયક ઠેરવવા નોટીસ ફટકારાઈ 

ગમ્યું તો આગળ શેર કરો.

માણાવદર નગરપાલીકાના કોંગ્રેસ પક્ષના પાંચ સદસ્યો જગમાલભાઈ હુંબલ, જયેશભાઈ વાછાણી, શૈલેષભાઈ સાંગાણી, દિવાળીબેન દેકીવાડીયા, કૈલાશબેન ચૌહાણને પક્ષાંતર ધારા નિચે સભ્ય પદેથી ગેર લાયક ઠેરવવા ગાંધીનગરના નામોદિષ્ટ અધિકારીએ નોટીસ ફટકારી છે.

માણાવદર નગરપાલીકામાં કોંગ્રેસ પક્ષના ૧૫ સભ્યો છે. ગત તા.૧૦/૨/૨૦૨૦નાં રોજ નગરપાલીકાનું જનરલ બોર્ડ મળેલ હતું જેમાં કોંગ્રેસ પક્ષના જીલ્લા પ્રમુખ નટુભાઈ પોંકીયાએ કોંગ્રેસના સભ્યોને વ્હીપ આપી હતી અને બજાવવા માટે કોંગ્રેસ પક્ષના તાલુકા પ્રમુખ અરવિંદભાઈ લાડાણીને અધિકૃત કર્યા હતા. પરંતુ કોંગ્રેસ પક્ષના પાંચ સભ્યોએ વ્હીપ સ્વીકારેલ નહીં અને જનરલ બોર્ડમાં ગેર હાજર રહેલ હતા તેથી ફક્ત એક મતના તફાવતથી કોંગ્રેસની દરખાસ્તો નામંજુર થઈ હતી. કોંગ્રેસ પક્ષે વ્હીપનો અનાદાર કરનાર પાંચ સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ સભ્ય પદેથી ગેર લાયક ઠરાવવા કેસ દાખલ કરવા આદેશ કરતાં નગર પાલીકાના સદસ્ય નિશાર ઠેબા એ ગાંધીનગરના નામોદિષ્ટ અધિકારી સમક્ષ કેસ દાખલ કરેલ છે તેથી કોંગ્રેસના ઉપરોક્ત પાંચ સદસ્યોને ગાંધીનગરના નામોદિષ્ટ અધિકારીએ નોટીસ ફટકારી આગામી તારીખ ૨૬/૩/૨૦૨૦નાં રોજ રૂબરૂ હાજર રહી ખુલાસો કરવા આદેશ કરેલ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે પક્ષાંતર ધારામાં થયેલા સુધારા મુજબ દરેક બેઠક પહેલાં જ પક્ષનો આદેશ (વ્હીપ) મેળવી લેવાની જવાબદારી સભ્યની રહે છે તેથી પક્ષનો વ્હીપ ના સ્વીકારે અથવા ગેરહાજર રહે તો પણ પક્ષાંતર ધારાનો ભંગ થાય છે. હાલના કિસ્સામાં જેણે જનરલ બોર્ડ બોલાવવા એજન્ડા કાઢેલ હતા એ ઈન્ચાર્જ પ્રમુખ જ બોર્ડમાં ગેર હાજર રહ્યા હતા ત્યારે સ્પષ્ટ પણે વ્હીપનો અનાદાર થયાનું સાબીત થતું હોવાથી પક્ષાંતર ધારા નિચે ગેર લાયક ઠેરવવા કાર્યવાહી શરૂ થયેલ છે.

ગમ્યું તો આગળ શેર કરો.