બિરજુએ મુંબઈથી દિલ્હી જતી જેટ એરવેઝની ફ્લાઈટમાં હાઈજેકિંગની ધમકીભર્યો પત્ર લખ્યો હતો પ્લેન હાઈજેકિંગના નવા કાયદા હેઠળ દેશમાં સૌ પ્રથમ સજા બિરજુ સલ્લાને ફટકારાઈ કો-પાઇલટને 1-1 લાખ, એર હોસ્ટેસને 50-50 હજાર વળતર ચૂકવવા આદેશ તમામ પેસેન્જરને રૂ.25 હજાર વળતર ચૂકવવા હુકમ 

અમદાવાદઃ પ્લેન હાઈજેકિંગની ધમકી ભર્યો પત્ર લખવા મામલે દોષિત ઠરેલા બિરજુ સલ્લાને અમદાવાદ સ્થિત NIA કોર્ટે આજીવન કેદ અને પાંચ કરોડનો દંડ ફટકાર્યો છે. આ સિવાય કોર્ટે કો-પાઇલટને 1-1 લાખ વળતર અને એર હોસ્ટેસને 50-50 હજાર તથા તમામ પેસેન્જરને 25 હજારનો વળતર ચુકવવાનો આદેશ કર્યો છે.

અમદાવાદમાં એન્ટીહાઈજેકિંગનો પહેલો ગુનો નોંધાયો હતો: મુંબઈથી દિલ્હી જતી જેટ એરવેઝની ફ્લાઈટમાં મળેલા ધમકીભર્યા પત્ર મામલે મુંબઈના બિઝનેસમેન બિરજુ સલ્લા સામે એન્ટિ હાઈજેકિંગ એક્ટ હેઠળ 2017માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. 2016 જુલાઈથી અમલમાં આવેલા આ કાયદા હેઠળ દેશભરમાં અમદાવાદમાં આ પહેલો ગુનો નોંધાયો હતો. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની અમદાવાદ સ્થિત સ્પેશિયલ કોર્ટે પ્લેન હાઈજેકિંગના નવા કાયદા હેઠળ દેશમાં સૌ પ્રથમ સજા બિરજુ સલ્લાને ફટકારી છે.

એનઆઈએ સ્પેશિયલ કોર્ટના જજ એમકે દવેએ સલ્લાને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી હતી. જો કોર્ટના આ નિર્ણય સામે સલ્લાને ઉપલી કોર્ટમાં રાહત ન મળી તો તેણે આખી જિંદગી જેલમાં વિતાવવી પડશે.

સલ્લાએ પ્લેન હાઈજેકિંગની ધમકી આપતા અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડીંગ કર્યું: 22 જાન્યુઆરી 2018ના રોજ સલ્લા સામે NIA દ્વારા એન્ટિ હાઈજેકિંગ એક્ટ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સલ્લાએ મુંબઈથી દિલ્હી જતી ફ્લાઈટને હાઈજેક કરવાની ધમકી આપી હતી, અને તેના કારણે પ્લેનને અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સલ્લાએ ધમકીભર્યો પત્ર પ્લેનના વોશરુમમાં સંતાડ્યો હતો, જે સ્ટાફને હાથ લાગ્યો હતો. આ નોટમાં જણાવાયું હતું કે, પ્લેનના કાર્ગો એરિયામાં બોમ્બ છે, અને તેમાં અપહરણકારો પણ સવાર છે.

એક ફ્રેન્ડને પાઠ ભણાવવા માગતો હતો: તપાસમાં બહાર આવ્યું હતું કે, મુંબઈથી બિઝનેસ ક્લાસમાં સવાર થયેલા સલ્લાએ ઈંગ્લિશ અને ઉર્દુમાં એક નોટ બનાવી હતી, અને તેને ઈરાદાપૂર્વક પ્લેનના ટોઈલેટના ટિશ્યૂ પેપર બોક્સમાં મૂકી દીધી હતી. સલ્લાનો લખેલો આ પત્ર મળતાં જ પ્લેનમાં સવાર પેસેન્જરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. NIAએ ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે, સલ્લાની આ હરકતથી એરલાઈનને બદનામ કરી તેને બંધ કરાવવા માગતો હતો, અને આમ કરી તે આ એરલાઈનમાં કામ કરતી પોતાની એક ફ્રેન્ડને પાઠ ભણાવવા માગતો હતો. 2016માં પ્લેન હાઈજેકિંગને લગતો કાયદો ખૂબ જ કડક બનાવાયો છે. પ્લેન હાઈજેક કરવાની ધમકી આપવી પણ કડક સજાપાત્ર ગુનો છે, જેમાં આજીવન કેદની સજા થઈ શકે છે.

Contribute Your Support by Sharing this News: