ગરવીતાકાત,તારીખ:૩૧ 

  • અમદાવાદ:  31 ડિસેમ્બર નજીક આવી રહી ત્યારે તે દિવસે અમદાવાદમાં ખાસ કરીને એસજી હાઇવે અને સીજી રોડ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડતી હોવાથી ટ્રાફિક ની સમસ્યા વધુ રહે છે. પોલીસ બંદોબસ્ત વિશે અમદાવાદ પશ્ચિમના ટ્રાફિક ડીસીપી અજિત રાજ્યાણે જણાવ્યું કે, 31મી ડિસેમ્બરે સીજી રોડ સાંજે 6 વાગેથી રાતના 3 વાગે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમજ એસજી હાઇવે પર ભારે અને મધ્યમ ભારે માલવાહક અને પેસેન્જર વાહનોને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પડાયેલા જાહેરનામા મુજબ આ નિર્ણય લેવાયા છે. તેમજ પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીના રોડ પર 31મી એ સાંજે 7 વાગેથી રાતના 3 વાગે સુધી વાહન પાર્કિંગમાં પણ પ્રતિબંધ રહેશે. નહેરુનગરથી ઇસ્કોન સુધીના રસ્તે ખાનગી લક્ઝરી બસના પાર્કિંગ પણ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમજ એસજી હાઇવેના કલબ અને પાર્ટી પ્લોટ આયોજકો સાથે મિટિંગ કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટેની તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. જો કોઈ 31 ડિસેમ્બરે દારૂ પીને ગાડી ચલાવી તો પોલીસ ગુનો દાખલ કરી ગાડી ડીટેઈન કરાશે.
  • વડોદરા: 31મી ડિસેમ્બરની ઉજવણી ને લઈને વડોદરા શહેર અને જિલ્લા પોલીસ સતર્ક બની છે. પોલીસે દારૂ કે રેવ પાર્ટીને રોકવા એક્શન પ્લાન ઘડ્યો છે. વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર કેસરસિંહ ભાટીએ જણાવ્યું કે, વડોદરા શહેરમાં 4 સ્થળોએ 31મી ડિસેમ્બરને લઈ પાર્ટીનું આયોજન કરાયું છે. જેમાં દારૂની રેલમછેલ રોકવા પોલીસ દ્વારા 11 ચેકપોસ્ટ તૈયાર કરાઇ છે. જ્યાંથી પસાર થતા વાહનોનું ચેકીંગ કરવામાં આવશે. શહેરમાં બ્રેથ એનેલાઈઝરથી શંકાસ્પદ લાગતા યુવક અને યુવતીઓનું ચેકીંગ કરાશે. જેને લઈને પોલીસની વિવિધ ટીમ 110 બ્રેથ એનેલાઈઝર મશીનથી ચેકીંગ કરશે. ટ્રાફિકના 70 પોઇન્ટ ગોઠવવામાં આવશે. જ્યારે 250 બેરિકેડ મુકવામાં આવશે. પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ ખાતે ખાસ ચેકીંગ હાથ ધરાશે. ઉપરાંત ડ્રગ એડિક્ટને પકડવા માટે નાર્કોટિક્સની ખાસ કીટ સાથે એસઓજીની 3 ટીમો તૈનાત રહેશે. નવલખી મેદાનમાં દુષ્કર્મ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ અવાવરું જગ્યાઓ પર નિયોન લાઈટ લગાડવામાં આવશે અને પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 42 જેટલી પીસીઆર વાન મોડી રાત્રી સુધી પેટ્રોલિંગમાં રહેશે. જેમાં રાત્રે અટવાઈ પડેલ યુવતીઓ અને મહિલાઓને ઘરે પહોંચવું હોય તો પણ પોલીસની ગાડી તેમની મદદ કરશે. ઉપરાંત વડોદરા પોલીસ દ્વારા એન્ટી રોમિયો સ્ક્વોડની પણ રચના કરાઈ છે, જેમાં મહિલા પોલીસ પણ તૈનાત રહેશે.
  • સુરત: 31મી ડિસેમ્બરને લઇ સુરત શહેર પોલીસ સજ્જ બની છે. ડુમસ અને ગૌરવ પથ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. 31 ડિસેમ્બર પહેલાની રાત્રિ દરમિયાન પોલીસે ડુમસ રોડ પર ચેકિંગ કર્યું છે. દારૂ ઢીંચીને છાંકટા બની ફરતા તત્વોને ઝડપી પાડવા બ્રેથ એનેલાઇઝર મશીનનો ઉપયોગ કરાયો છે. આશરે 8૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે. લોકોની ભારે ભીડ વચ્ચે મહિલાઓની સુરક્ષાને લઇ શહેર પોલીસ દ્વારા રોમિય સ્કવોડની પણ રચના કરાઈ છે. કુલ 150 જેટલા બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરાશે. રેવ પાર્ટી પર શહેર પોલીસની બાજ નજર રહેશે. ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ જેવા ઠેકાણાઓ પર આયોજિત પાર્ટીઓ પર પણ પોલીસની નજર રહેશે.
  • દમણ: 31મી ડિસેમ્બરે દમણની હોટલમાં લાસ્ટ નાઈટ પાર્ટી વિથ ગાલા ડિનરની ધમાલ મચતી હોય છે. ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ હજારો પ્રવાસીઓ દમણમાં આવી પહોંચે છે. જે માટે દમણમાં આવેલી તમામ હોટલ-રિસોર્ટ મેનેજમેન્ટ અઠવાડિયા પહેલાં જ પ્રવાસીઓથી ફુલ થઈ જાય છે. દમણમાં દર વર્ષે વર્ષના અંતિમ દિવસે અને નવા વર્ષને વધાવવા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી હજારો પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ લાસ્ટ નાઈટમાં DJ પાર્ટી, ઓરકેસ્ટ્રા પાર્ટી, ગાલા વિથ ડિનર અને અનલિમિટેડ વાઈનનો આનંદ ઉત્સાહ સાથે ઉઠાવે છે. આ દરમિયાન તેઓ દમણની ટુ-સ્ટાર, થ્રી-સ્ટાર કે ફાઈવ સ્ટાર હોટલ-રિસોર્ટમાં પોતાના પરિવાર સાથે આનંદની ક્ષણો માટે આવે છે. દમણમાં જોવાલાયક સ્થળો, દરિયાકિનારો પર હરવા-ફરવાની મજા માણે છે. હાલ 31મી ડિસેમ્બરને ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે પ્રવાસીઓને આકર્ષવા અને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા દમણની હોટલો નવા સાજ શણગાર સાથે સજ્જ થઈ રહી છે. ગત વર્ષ કરતા આ વર્ષે દમણની હોટેલો પેહેલેથી જ બુક થઈ ચૂકી છે. જેથી ગ્રાહકોને આકર્ષવા દમણના હોટેલ માલિકો દ્વારા નવા નવા પ્લાન બનાવવામાં આવ્યા છે.