સુરતનાં યુવકનું ગળું કાપીને હત્યા, પત્નીએ જ હત્યા કર્યાની પાડોશીઓને આશંકા

ગમ્યું તો આગળ શેર કરો.

શહેરનાં પાંડેસરામાં વિસ્તારમાં વડોદગામનાં ગણેશનગર પાસે આવેલા મહાવીર નગરનાં એક રૂમમાં શાકભાજીનાં વેપારીનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. મૃતક પ્રેમલાલ ગુપ્તા મૂળ યુપીનો રહેવાસી છે. તે પત્ની અને ત્રણ સંતાનો સાથે આ રૂમમાં રહેતો હતો. હાલ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, પાંડેસરા વિસ્તારનાં વડોદગામનાં ગણેશનગર પાસે આવેલા મહાવીર નગરનાં ચાર નંબરનાં રૂમમાંથી આ યુપીનો પરિવાર રહે છે. મૃતક પ્રેમલાલ ગુપ્તા શાકભાજીનો વેપારી અને ગેસ સિલેન્ડર રિપેરિંગનું છૂટક કામ કરતો હતો. આજે સવારે પાંચ કલાકે મૃતકની પત્નીએ બુમાબુમ કરી આસપાસવાળાઓને જણાવ્યું કે ચાર નકાબવાળા માણસો આવીને ઘરમાં ઘુસી ગયા હતાં. જે બાદ પતિનું ગળું કાપીને ભાગી ગયા હતાં. જે બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસને પત્નીનાં નિવેદન પર શંકા જતા વધુ તપાસ હાથ ધરી છે.

આ હત્યાની તપાસમાં મૃતકનાં પાડોશીઓએ જણાવ્યું કે, પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતાં. જેથી પત્નીએ જ પતિની હત્યા કરી હોવાની પણ લોકોને શંકા જઇ રહી છે. હાલ પોલીસે મૃતકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અંગે ડૉક્ટરોએ જણાવ્યું છે કે, મૃતકને નાક, ગળા અને ગુપ્તાંગનાં ભાગે ચપ્પુનાં ઘા મારવામાં આવ્યાં છે. કપાળ પર ઘસરકાનાં નિશાન પણ મળી આવ્યાં છે.

ગમ્યું તો આગળ શેર કરો.