ગરવીતાકાત,થરાદ(તારીખ:૧૫)

થરાદ-વાવ-સુઈગામ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી છોડવામાં ન આવતા થરાદ વાવના દારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા નર્મદા નિગમ ઓફીસને તાળાબંધી કરતા નર્મદાની ઓફીસમાં સન્નાટો છવાઈ ગયો હતો.

થરાદ-વાવ-સુઈગામ પંથકમાં અત્યારે કુદરતની આફત સામે ખેડૂત ઝઝુમી રહ્યો છે. ભરશિયાળે ચોમાસાની મોસમ હોય તેવું વાતાવરણ સર્જાયું છે અને ઠેરઠેર કમોસમી વરસાદના કારણે ચોમાસુ પાકને મોટા પ્રમાણમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે થરાદ-વાવ-સુઈગામમાં બનાવવામાં આવેલ પેટા કેનાલોમાં માઈનોર કેનાલના અત્યારે નિગમ દ્વારા શિયાળુ પાકના વાવેતર માટે પાણી છોડવામાં ન આવતા ખેડૂતોને શિયાળુ સિઝનનું વાવેતર થવામાં વિલંબ થઈ રહ્યો છે. જેને લઈ અનેક વખતે રજૂઆત કરવાછતાં પણ કેનાલોમાં પાણી છોડવામાં આવતું નથી. જે કેનાલોમાં પાણી છોડવામાં આવેલ તે કેનાલમાં મોટા ગાબડા પડવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થાય છે.

ક્યાંક કેનાલોમાં સફાઈ કરવામાં આવતી નથી અને કેનાલોમાં ભંગાણ પડયા છે તે જગ્યાએ રિપેરીંગ કામ પણ કરવામાં આવતું નથી. જેને લઈ ગુરુવારે વાવ તાલુકાના કિસાન સંઘ દ્વારા પ્રમુખ કાનજીભાઈ પટેલ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તથા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તથા મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા થરાદ નર્મદા નિગમની કચેરીએ આવી ઉગ્ર દેખાવો કરી કચેરીના અધિકારીને બહાર કાઢી કચેરીએ તાળાબંધી કરવામાં આવતા કચેરીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આ અંગે નર્મદા નિગમના અધિકારીએ જણાવેલ કે આ અંગેની જાણ અમો અમારા ઉપરી અધિકારીને જણાવેલ છે.

બીજા સાથે સમાચાર શેર કરો.