ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૧૫)

બહુચરાજી નજીક સાપાવાડા ગામે આવેલી કાર ઈન્સ્ટ્રુમેન્ટ બનાવતી કે.આર. સ્ટેમ્પિંગ નામની કંપનીમાં બબ્બે વર્ષથી નોકરી કરતા કામદારોએ પગાર વધારો માંગતા 51 કામદારોને છૂટા કરી રાતોરાત બીજા કામદારોની ભરતી કરી દેવાતાં કામદારોએ કંપની સામે હોબાળો મચાવ્યો હતો. તેમજ કામદારોના આર્થિક શોષણ મામલે બહુચરાજી મામલતદાર અને કલેકટરને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે. તો બીજી બાજુ કામદારોને ધારાધોરણ મુજબ પગાર ચૂકવાતો હોવાનું કંપનીના ડાયરેકટરે જણાવ્યું હતુ. કામદારોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે,ગુરુવારે નોકરીએ જતા કામદારોને કંપનીમાં પ્રવેશ અપાયો ન હતો. 51 કામદારોને છૂટા કરી નવી ભરતી કરી દેવાઇ છે.પોતાની રોજગારી છીનવાઈ જતા ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

હજુ રજૂઆત મળી નથી: શ્રમ આયુક્ત વિભાગ: ઉદ્યોગ અને શ્રમ આયુક્ત વિભાગ મહેસાણાના અધિકારી આઈ. કે.ભગોરાને પૂછતાં તેમણે આવી રજૂઆત અમારા સુધી હજુ આવી નથી, રજૂઆત મળે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું.

પ્રોડક્શન અટકે નહીં તે માટે બીજા માણસોને લીધા છે: કંપનીના ડાયરેક્ટર અભિષેક શર્માએ જણાવ્યું કે કામદારોને ધારાધોરણ મુજબ પગાર ચૂકવીએ છીએ, પગાર વધારા અંગે અમે રાહ જોવા કહ્યું હતું, પ્રોડક્શન અટકે નહીં તે માટે બીજા માણસોને લીધા છે.

Contribute Your Support by Sharing this News: