ભુજ: ભુજ-માંડવી હાઇવે પર આવેલા ખત્રી તળાવ નજીક રોંગસાઈડથી આવી રહેલા ટ્રેક એક્ટિવાને ટક્કર મારતા માતા-પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે એક અન્ય પુત્રને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો. માનકુવા પોલીસ અકસ્માનો ગુનો નોંધી ફરાર ડ્રાઈવરને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

ટ્રકની ટક્કરે માતા અને બંને પુત્રો રોડ પર ફંગોળાયા: ભુજના આશાપુરા મંદિર પાસે રહેતા જિજ્ઞાબેન તેમના 2 પુત્રો ઓમ અને રુદ્ર સાથે એક્ટિવા પર માંડવીથી ભુજ આવી રહ્યા હતા. ત્યારે ખત્રી તળાવ પાસે રોંગસાઇડમાં આવતી ટ્રકે ટક્કર મારતા એક્ટિવા પર સવાર માતા અને બન્ને પુત્રો રોડ પર ફંગોળાયા હતા. તમામને સારવાર માટે 108 મારફત ભુજ જનરલ હોસ્પિટલ લઇ જવાયા હતા. માથા તથા શરીરના અન્ય ભાગે અતી ગંભીર ઇજાના પગલે જિજ્ઞાબેન અને તેમના 4 વર્ષિય પુત્ર ઓમને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. રુદ્રને ફ્રેકચર સહિતની ઇજા પહોચતા હાલમાં તેને ભુજમાં સારવાર હેઠળ રખાયો છે.

ખત્રી તળાવનો માર્ગ અકસ્માત ઝોન: ભુજ-માંડવી હાઇવે પર આવેલા ખત્રી તળાવ પાસેનો માર્ગ અકસ્માત ઝોનમાં ફેરવાઇ ગયો હોય તેમ છાશવારે નાના-મોટા તો કયારેક જીવલેણ અકસ્માતની ઘટના ઘટતી જ રહે છે. તાજેતરમાં રોડ સેફટીની બેઠકમાં અકસ્માત સર્જતા માર્ગો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની કરાયેલી તાકીદનો આ માર્ગ પર અમલ થાય તે જરૂરી.

બીજા સાથે સમાચાર શેર કરો.