વિદેશથી આવેલા લોકોએ ટ્રેનનું બૂકિંગ કરાવ્યું હોવાથી આબાદ બચાવ મુંબઇ એરપોર્ટથી એનઆરઆઇનો સામાન લઇને આવતો હતો

ભરૂચ: ભરૂચમાં 100થી વધુની સ્પીડે જતી કાર કન્ટેનર પાછળ ઘુસી જતાં ડ્રાયવરનું મોત થયું હતું. મુંબઇ એરપોર્ટથી એનઆરઆઇનો સામાન લઇને આવતો હતો ત્યારે કરગટ ગામ નજીક તેણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બેકાબુ બનેલી કાર રોડની સાઇડ પર ઉભેલા કન્ટેનરની પાછળના ભાગે ધડાકાભેર અથડાઇ હતી. વિદેશથી આવેલા લોકોએ ટ્રેનનું બુકિંગ કરાવ્યું હોવાથી આબાદ બચાવ થયો હતો.

જંબુસર તાલુકામાં આવેલાં સારોદ ગામે રહેતો જાબીર યાકુબ કારીગર તેમના એક પરીચિત વિદેશથી પરત આવી રહ્યાં હોવાથી તેમને લેવા માટે મુંબઇ એરપોર્ટ પર ગયો હતો. વિદેશથી આવેલા પરીચિતે ટ્રેનમાં તેમનું બુકિંગ કરાવ્યું હોઇ તેઓ ટ્રેનમાં ભરૂચ આવવા રવાના થયાં હતાં. જ્યારે જૂબેર યાકુબ કારીગર કારમાં તેમનો સામાન લઇને જંબુસર આવવા માટે રવાના થયાં હતાં.નેશનલ હાઇવે નંબર 48 પર કરગટ ગામ પાસે આવેલી વિરામ હોટલ સામેથી પસાર થતાં સમયે તેમની કાર પુરઝડપે હોઇ તેમનું સ્ટિયરીંગ પર કાબુ નહીં રહેતાં તેમની કાર રોડની સાઇડમાં ઉભેલાં એક કન્ટેઇનરમાં ધડાકાભેર ભટકાઇ ગઇ હતી.

કારના આગળના ભાગનો ખુરદો બોલી જતાં તેમાં દબાઇ જવાને કારણે ચાલક જુબેર યાકુબ કારીગરનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં નબીપુર પોલીસનો કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. બનાવને પગલે પોલીસે કન્ટેઇનરના ડ્રાઇવર રામહરી ગણપત ધનગરેની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિદેશથી આવેલા લોકોએ ટ્રેનનું બુકિંગ કરાવ્યું હોવાથી આબાદ બચાવ થયો હતો.

Contribute Your Support by Sharing this News: