રાધનપુરના ધારાસભ્ય રઘુભાઇ દેસાઈએ રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના ગામોના તળાવો પાણીથી ભરવા તેમજ ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ રાખવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજુઆત કરતુ આવેદનપત્ર પ્રાંત અધિકારીને સુપરત કર્યું હતું.
મુખ્યમંત્રીને લેખિતમાં કરેલી રજુઆતમાં રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના ગામોના તળાવોમાં પાણી નથી,જેના કારણે પશુપાલકોને અને ખેડૂતોને ખુબ તકલીફ પડે છે. ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની તકલીફ પડી રહી છે.જેથી નર્મદા નિગમની પસાર થતી કેનાલોમાંથી આ ત્રણેય તાલુકા ઉપરાંત રાધનપુર શહેરના તળાવો અને અડબંધો પાણીથી ભરવામાં આવે તો ખેડૂતોને અને પશુપાલકોને રાહત થાય અને પશુઓને પણ પીવાનું પાણી મળી રહે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના ચણા રુ.૯૭૫ ના ટેકાના ભાવે ખરીદવા ઓનલાઇન નોંધણી કરાવવામાં આવી હતી.પરંતુ હજુ માંડ દસ ટકા ખરીદી કરવામાં આવી નથી ત્યાં જ ખરીદી બંધ કરી દેવામાં આવી હોવાથી ચણા સંગ્રહીને બેઠેલા ખેડૂતોના ચણા બગડી કે સડી જાય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે, જેથી ખેડૂતોની હાલત કફોડી બની હોવાથી ચણાની ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવી જોઈએ તેવી રજુઆત કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ હમીરજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીનભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય જગદીશભાઈ રાઠોડ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.