બનાસકાંઠાના વાવમાં કેનાલમાં ગાબડાંને લઇ ધારાસભ્ય લાલઘૂમ, પહોંચ્યા વડીકચેરી

ગમ્યું તો આગળ શેર કરો.

બનાસકાંઠા જીલ્લાની નર્મદાની કેનાલોમાં વારંવાર ગાબડાં પડવાને લઇ વાવ ધારાસભ્ય લાલઘૂમ બન્યા છે. ગઇકાલે ધારાસભ્યએ નર્મદા મુખ્ય ઇજનેર કચેરી પાટણ ખાતે પહોંચી રોષ ઠાલવ્યો હતો. આ સાથે તેમણે ખેડુતોના વાંકે ગાબડાં પડતા હોવાની વાત પણ નકારી હતી. તેમણે આક્ષેપ કર્યા છે કે, ભાજપના સમયમાં બનાવાયેલી કેનાલોમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી વારંવાર ગાબડાં પડી રહ્યા છે. નોંધનિય છે કે, બનાસકાંઠા જીલ્લામાં એક માસમાં ૨૦થી વધુ ગાબડાં પડ્યા હોવાનું સામે આવ્યુ છે.

બનાસકાંઠા જીલ્લાના વાવ-સુઇગામ પંથકની કેનાલોમાં છાશવારે ગાબડાં પડી રહ્યા છે. સમગ્ર મામલે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લાલઘૂમ બની નર્મદા મુખ્ય ઇજનેર કચેરી પહોંચી રોષ વ્યક્ત કરી ગંભીર આક્ષેપો કર્યા છે. ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે, ભાજપના શાસનમાં બનાવેલી કેનાલોમાં ભ્રષ્ટ અધિકારીઓ અને ખાનગી કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી હલકી કક્ષાની ગુણવત્તાવાળું કામ કરેલુ હોવાથી વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે. આ સાથે વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ આજદિન સુધી એકપણ એજન્સીને બ્લેકલીસ્ટ કરવામાં નથી આવી અને તેની તપાસમાં પણ ઢીલી નિતી અપનાવવામાં આવી રહી હોવાના આક્ષેપોથી હડકંપ મચી ગયો છે.

વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યુ હતુ કે, નર્મદા કેનાલોના કામ કરનાર તમામ એજન્સીઓ ભાજપના મળતિયાઓની હોવાથી કોઇ પગલાં ભરવામાં આવતા નથી. આ સાથે નર્મદાના સત્તાધિશો પણ કોન્ટ્રાક્ટરોનો લુલો બચાવ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ ગેનીબેને કર્યો છે. વારંવાર રજૂઆતોને અંતે પણ આવી એજન્સીઓ સામે કોઇ પગલાં ના લેવાયા હોવાના આક્ષેપથી વહીવટી આલમમાં ચકચાર મચી ગઇ છે.

ગમ્યું તો આગળ શેર કરો.