શિયાળાની ઠંડીમાં સૂર્યના કિરણોનો સ્પર્શ તાજગી સાથે હૂંફનો પણ અહેસાસ કરાવે છે. ઉત્તરાયણ પછી સૂર્યનારાયણ જ્યારે ઉત્તર તરફ પ્રયાણ કરે ત્યારે શિયાળાના અંત અને વસંતના આરંભની શરૂઆત ઉત્સવ રૂપે નવી ચેતનાનો અનુભવ આપણને કરાવે છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સૂર્યમંદિરના પરિસરમાં ઉત્તરાર્ધ નૃત્ય ઉત્સવ પણ એવી જ નવી ચેતના-નવા જોમ નવી શકિતનો ઉદ્દીપક બન્યો છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઉત્તરાર્ધ ઉત્સવએ મોઢેરાના સૂર્યમંદિરની ગરિમાને વધુ ઉન્નત બનાવવાનો પ્રયાસ છે.બે દિવસના આ ઐતિહાસિક સ્થળના સાન્નિધ્યમાં નૃત્યપ્રસ્તુતિઓ અને ઐતિહાસિક ધરોહરનો સુભગ સમન્વય રચાશે. આ ઉત્સવના માધ્યમથી લોકો આપણા ઐતિહાસિક વારસાથી વધુ નિકટ આવશે. કલા-સંસ્કૃતિને સંવર્ધિત કરવા સરકાર પણ પ્રતિબદ્ધ છે.