મહેસાણા: મંદિરનો ચોકીદાર જાગી જતાં ભાગેલા ત્રણ ચોરો તળાવમાં કૂદ્યા,એક પડકાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

દગાવાડિયા ગામે શેટલાવીર મંદિરમાં તાંબાનો ઘંટ ચોરી રહેલા ત્રણ ચોરોને ચોકીદારે પડકારી પીછો કરતાં ત્રણે ચોરોએ ગામના તળાવમાં છલાંગ લગાવી હતી. જેમાં તરતાં નહીં આવડતા એક ચોરને ગામલોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો. જ્યારે બે નાસી ગયા હતા. વસાઇ પોલીસે ગુનો નોંધી ફરાર બે જણાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વિજાપુર તાલુકાના દગાવાડિયા ગામે આવેલા શેટલાવીર મંદિરમાં સોમવારે રાત્રે 9 વાગ્યે ત્રણ ચોરો ઘૂસ્યા હતા. અહીં મંદિરના આગળના ભાગમાં લગાવેલા તાંબાના ઘંટને તેઓ ઉતારી રહ્યા હતા, ત્યારે અવાજ થતાં અચાનક જાગી ગયેલા ચોકીદારે તેમને પડકાર્યા હતા. ઝડપાઇ જવાના ડરથી મંદિરની જાળી કૂદીને ભાગેલા ત્રણે ચોરો પાછળ પડેલા લોકોથી બચવા ગામના તળાવમાં પડ્યા હતા. જેમાં બે ચોર તરીને ભાગવામાં સફળ રહ્યા હતા, પરંતુ એક ને તરતાં આવડતું ન હોઇ તે પકડાઇ ગયો હતો.

કુકરવાડાના શખ્સને પકડી પોલીસને સોંપ્યો: પકડાયેલો શખ્સ કુકરવાડાનો કાળુ સોમાભાઇ દેવીપુજક હોવાની ઓળખ થઇ છે. આ ઘટના અંગે વખતબેન શંકરભાઇ ચૌધરીએ વસઇ પોલીસ સ્ટેશનમાં ત્રણ જણા સામે ફરિયાદ નોંધાવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.