ગરવીતાકાત,અરવલ્લી: ગામડાઓમાં દિવસેને દિવસે ગૌચર ઘટી રહ્યા છે. અરવલ્લી જીલ્લામાં આવેલા મોટા ભાગના ગૌચરની જમીન ખેતરમાં ભળી રહી છે. પશુઓને ચરવા માટે રખાયેલ ગૌચર જમીનો પર સ્થાનિક લોકોએ કબ્જો કરી દઈ ગેરકાયદેસર નાના મોટા બાંધકામ કરી દઈ દબાણ કરી દેતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.

માલપુર તાલુકાના ડામોરના મુવાડા ગામે ગામના જ કેટલાક શખ્શોએ દબાણ કરી દેતા ગ્રામજનોએ જવાબદાર તંત્રમાં અનેકવાર રજૂઆત કરતા કોઈ ઉકેલ ન આવતા થોડા સમય અગાઉ ગામના ૧૦૦ થી વધુ ખેડૂતો જીલ્લા કલેક્ટર કચેરી ખાતે સામુહિક મુંડન માટે પહોંચ્યા હતા. સામુહિક મૂંડનની જાણ તંત્રને થતા તંત્ર તરફથી ગૌચર પરનું દબાણ દૂર કરવા હૈયા ધારણા આપી હતી. પોલીસે ૨૫ થી વધુ ખેડૂતોની જાહેરનામાના ભંગ હેઠળ અટકાયત કરી હતી.

બુધવારે તાલુકા વિકાસ અધિકારી સહીત અધિકારીઓ ડામોરના મુવાડા ગામે ૧૫૦ વીઘાથી વધુના ગૌચર પર કરેલ કાચા પાકા દબાણ દૂર કરવા પહોંચી દબાણ દૂર કરવા કાર્યવાહી હાથધરી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસ સહીત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દઈ ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગામનું ગૌચર દૂર કરવાની કાર્યવાહી થી ગ્રામજનોમાં અને ખેડૂતોમાં આનંદ છવાયો હતો ગૌચર પર દબાણ કરનાર ભૂ-માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

બીજા સાથે સમાચાર શેર કરો.