ગરવીતાકાત,અમદાવાદ: હાલના વાતાવરણમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગ થવાની સંભાવનાઓ રહેલી છે ત્યારે અમદાવાદ જિલ્લા મેલેરિયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ જિલ્લાના ૬૦થી વધુ નાના મોટા તળાવોમાં મેલેરીયા નિયંત્રણના નેચરલ સોર્સ તરીકે ગપ્પી માછલીઓ મુકવામાં આવી છે અને તેના કારણે મેલેરીયાના રોગ પર નિયંત્રણ મેળવી શકાયુ છે તેમ માનવામાં આવી રહ્યુ છે. અમદાવાદ જિલ્લાના બારેમાસ પાણી ભરાઇ રહેતા તળાવોમાં જિલ્લા મેલેરીયા શાખાના સંકલનમાં રહીને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગપ્પી માછલી મુકવામાં આવી છે અને સમયાંતરે દેખરેખ પણ રાખવામાં આવી રહી છે.

અમદાવાદના જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે,  અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મેલેરીયા નિયંત્રણ માટે નેચરલ સોર્સ તરીકે ગપ્પી માછલીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિરમગામના મુનસર તળાવ સહિત અમદાવાદ જિલ્લાના નાના મોટા ૬૦ તળાવમાં ગપ્પી માછલી મુકવામાં આવી છે. સામાન્ય રીતે મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે કેમીકલ પધ્ધતિ અને બાયોલોજીકલ પધ્ધતિનો ઉપગોય કરવામાં આવે છે. કેમીકલ પધ્ધતિમાં દવાઓ અને બાયોલોજીકલ પધ્ધતિમાં માછલીઓ, બેક્ટેરીયાનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદ જીલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી બાયોલોજીકલ કન્ટ્રોલ પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે અને ચોમાસા દરમ્યાન નાના મોટા તળાવોમાં ગપ્પી માછલી મુકવામાં આવે છે. જેને પરીણામે અમદાવાદ જીલ્લામાં મેલેરીયાના કેસોમાં ઘટાડો નોંધાયો છે.

પરીમલ ગાર્ડન, કાંકરીયા તળાવ અને ધોળકાની વાવમાં પુષ્કળ પ્રમાણમાં ગપ્પી માછલીઓ છે. જેમાંથી ગપ્પી માછલીઓ બારેમાસ પાણી ભરાઇ રહેતા હોય તેવા પાણીના સ્ત્રોતમાં મુકવામાં આવે છે. તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી દ્વારા વાહકજન્ય રોગચાળા નિયંત્રણ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ જીલ્લામાં ખાસ વાહકજન્ય રોગચાળા નિયંત્રણ પર ભાર મુકવામાં આવ્યો છે અને આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા કામગીરીને વધુ સઘન બનાવવામાં આવી છે.

ગપ્પી માછલી કઇ રીતે મેલેરીયા નિયંત્રણ કરે?: અમદાવાદના જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના મતે, ગપ્પી માછલી પોરા ભક્ષક માછલી છે અને તે તળાવોમાં કે જ્યાં મચ્છરોના ઈંડામાથી પોરા તૈયાર થાય છે તે પોરાને ગપ્પી માછલી ખાઈ જાય છે અને તેનાથી મચ્છરોની ઉત્પતિ અટકી જાય છે. માનવીનું લોહી ચુસ્યા પછી જ મચ્છર ઇંડા મૂકે છે. મેલેરિયા માટે ખતરનાક ગણાતો માદા એનોફિલીસ મચ્છર ૧૦૦થી વધુ ઇંડા મુકે છે. તેમાંથી ખુબ ઝડપથી થતાં મચ્છરના ઉપદ્વને નાથવા માટે મોટા તળાવોમાં ગપ્પી માછલી છોડવામાં આવે છે. એક ગપ્પી માછલી દિવસમાં મચ્છરના 300 ઇંડા ખાઇ જાય છે. જેથી મચ્છરોના ઉપદ્રવમાં ઘટાડો કરી શકાય છે.