લોકમાતા બનાસનું પેટ ચીરીને સરહદી પંથકને પાણીની લ્હાણી નદીના પટમાં ૧૮ બોર દ્વારા રાત – દિવસ ઉલેચાતુ પાણી

ગમ્યું તો આગળ શેર કરો.

બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસાને અડીને આવેલ આખોલ ગામની સીમમાં બનાસ નદીના પટમાં બનાવેલ ૧૮ બોર છેલ્લા ૩૨ વર્ષથી રાત – દિવસ પેટાળ ઉલેચીને મીઠું પાણી વાવ – થરાદ અને સમગ્ર સુઇગામ તાલુકાને પૂરું પાડી રહ્યા છે. જેના કારણે અગાઉ પાણીદાર ગણાતા ડીસા પંથકમાં ભૂગર્ભ જળમાં ચિંતાજનક હદે ધરખમ ઘટાડો નોંધાયો છે. જેથી પાણીની વિકરાળ સમસ્યા ક્ષિતિજે ડોકાઈ રહી છે.
એક સમયે લોક માતા બનાસ જેનો પુરાણોમાં પરણાસા નદી તરીકે ઉલ્લેખ છે ખળખળ વહેતી બનાસના કારણે પંથકની જાહોજલાલી દૂર દેશાવરમાં વખણાતી હતી. પરંતુ સમયના વહેણ સાથે નદીની ઉપરવાસમાં ડેમ બંધાતા નદીનું વહેણ બંધ થઈ ગયું છે પણ નદીના ભુગર્ભમાં પાણીનો ભંડાર છે જેથી અગાઉ માત્ર ૪૦૦ ફૂટના બોરથી પિયત માટે પાણી મળી રહેતા જિલ્લો ખેતી ક્ષેત્રે નંબર વન છે. પરંતુ ૧૯૮૨માં સમગ્ર જિલ્લામાં સતત વરસાદ ન પડતા પાણીની કટોકટી સર્જાઈ હતી તેમાં પણ રણ અને ખારો પાટ ધરાવતા વાવ – થરાદ અને સુઇગામમાં પીવાના પાણીની અછત સર્જાઈ હતી. જેના કારણે સરકારે માત્ર ૧૦ વર્ષના હંગામી ધોરણે આખોલ બનાસ નદીના પટમાં ૧૮ બોર ( પાતાળ કુવા ) બનાવી વાવ – થરાદ અને સુઇગામ તાલુકાને પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી આપવાનું નક્કી કર્યું હતું.પરંતુ નબળી નેતાગીરીના કારણે આજે ૩૨ વર્ષ બાદ પણ નદીમાંથી રાત – દિવસ પાણી ઉલેચાઈ રહ્યું છે. હાલમાં વાવ – થરાદ અને સુઇગામમાં નર્મદાની રેલમછેલ થઈ રહી છે તેમછતાં તેમના ભોગે પાણીદાર પંથક નપાણીયો બની રહ્યો છે. એક બાજુ દર વર્ષે અપૂરતો વરસાદ પડે છે બીજી બાજુ ભૂગર્ભમાંથી રાત – દિવસ પાણી ઉલેચાતા ભૂગર્ભ જળ ખાલી થઈ રહ્યું છે.

જેથી દર વર્ષે બોરમાં એક- બે નવી કોલમો નાખવા છતાં ૭૦૦ થી ૭૫૦ ફૂટના ઊંડા બોર પણ પાણી ઉલેચતા નથી. જેના કારણે ‘ઘરના છોકરા ઘંટી ચાટે.’ જેવો ઘાટ ઘડાતા જિલ્લા માથે ગંભીર જળ સંકટ સાથે એકમાત્ર ખેતીનો વ્યવસાય પણ પડી ભાંગે તેવી નાજુક અને પ્રવાહી પરિસ્થિતિ સર્જાઈ છે..!! આ બાબતે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષાપક્ષી છોડી જિલ્લાના હિતમાં એક થઇ એક સુરે ગાંધીનગર ગજવી સમસ્યાનું નિરાકરણ લાવે તે સમયનો તકાજો છે. નહિતર નવી પઢી માફ નહિ કરે તે હકીકત છે.

ગમ્યું તો આગળ શેર કરો.