ટ્રસ્ટને વહીવટ સોંપાયા બાદ દર્દીઓ સાથે પણ ખરાબ વર્તન કરાતું હોવાની વ્યાપક રાવ 

ગરવીતાકાત પાલનપુર: પાલનપુર સિવિલ હોસ્પિટલ ટ્રસ્ટને સોંપાયા બાદ દર્દીઓ સાથે ખરાબ વર્તન કરાતુ હોવાની વ્યાપક રાવ સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી પણ જાણે વધતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. પાલનપુર સિવિલ હોસ્પિટલના ફિમેલ મેડિકલ વોર્ડ નં – ૧ મા આજે ગરવી તાકાત દૈનિક પાલનપુરની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમા માત્ર બે ખાટલા પર દર્દીઓની હાજરી હોવા છતાં બાકીના ૮ જેટલા ખાટલા પર પંખા ચાલુ જોવા મળ્યા હતા. આમ, પાલનપુર સિવિલ હોસ્પિટલ વર્ષે દહાડે લાખો રૂપિયાનું લાઇટ બિલ ચૂકવતી હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલના રૂમમાં ખાટલા ખાલી હોવા છતાં ઉપર પંખા ચાલુ હોય વિજળીનો ભારે વ્યય થઇ રહ્યો હોય તેવું જોવા મળ્યું હતું. ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવી અનેક લાલિયાવાડી ચાલતી હોવા છતાં પણ આ બાબતે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવતી ન હોય સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા મનમાની ચલાવવામાં આવી રહી છે. કેટલીક વાર સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓ તેમજ તેમના સગાઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવતુ હોવાની પણ વ્યાપક રાવ છે. ત્યારે આ બાબતે પણ પગલાં ભરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે.