ગરવીતાકાત,સુરતઃ શહેરમાં કિન્નરોની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પુત્ર જન્મની વધાઈનું દાપું લેવા આવેલા કિન્નરોને મોં માંગી રકમ ન આપતાં તેમણે નવજાતના પિતાનું માથું દિવાલ સાથે અથડાવીને ગંભીર ઈજા પહોંચાડી હતી. જે બાદ તેઓ અર્ધનગ્ન થઈ ગયા હતા.   બે કિન્નરોએ પિતાનું માથું દિવાલ સાથે અથાડતા ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેની હાલત ગંભીર છે તેથી આઇસીયુમાં ખસેડ્યો હતો. નોંધનીય છે કે ગોડાદરા માનસરોવર સોસાયટી ખાતે રહેતા 32 વર્ષનાં ગેહરીલાલ કસ્તુરી ખટીક પાનનો ગલ્લો ચલાવે છે.

મળતી માહિતી મુજબ, ગેહરીલાલ કસ્તુરી ખટીકને સંતાનમાં બે પુત્રીઓ છે અને તા.31મી ઑગસ્ટનાં રોજ તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો. જેની જાણ કિન્નરોને થતા મંગળવારે સવારે એક રિક્ષામાં બે કથિત કિન્નરો તેમના ઘરે આવ્યાં હતાં. તેમણે ગહેરીલાલ પાસે 21 હજાર રુપિયા દાપું માગ્યું હતું. જે બાદ પિતાએ 7 હજાર રૂપિયા આપ્યાં હતાં. જોકે આટલા દાપુંથી તેઓ ખુશ ન હતાં. જેથી તેઓ અપશબ્દો બોલીને અર્ધનગ્ન થઇ ગયા હતાં. આટલેથી ન અટકતાં તેમણે પિતા ગહેરીલાલને માર પણ માર્યો હતો અને તેમનું માથું દિવાલમાં અથાડ્યું હતું. જેથી ગહેરીલાલને માથામાં ગંભીર ઇજા થતાં બેભાન થયા હતાં. આ જોતા કહેવાતા કિન્નરો ડરીને ત્યાંથી ભાગી ગયા હતાં.

જે બાદ ગહેરીલાલને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ કહ્યું હતું કે તેમની મગજની નસ ફાટી ગઇ છે. તેમની હાલત નાજુક છે. જેથી હાલ તેઓ આઇસીયુમાં દાખલ છે. ગહેરીલાલનાં પત્ની મંશાબેને લિંબાયત પોલીસમાં કિન્નરો સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તે લોકો સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બીજા સાથે સમાચાર શેર કરો.