સોમવારે ખેરવાના ગ્રામજનોએ સવારે કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો જીપીસીબીના ભ્રષ્ટાચારના કારણે પ્રદૂષણ બંધ થતું છે : સરપંચ

ગરવીતાકાત મહેસાણા: ખેરવા-જગુદણ રોડ પર નિલકંઠ પેપર મિલના વાયુ પ્રદૂષણથી રહીશોના શ્વાસ રુંધાતા હોવાની બે વખત રજૂઆત પછી પણ કોઇ પગલાં ન લેવાતાં સોમવારે ખેરવાના ગ્રામજનોએ સવારે કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો હતો અને 7 દિવસમાં પગલાં નહીં લેવાય તો ધરણાં, ઉપવાસ કરીશું, હાઇકોર્ટનો પણ સહારો લઇશું તેમ જણાવ્યું હતું. ગ્રામજનોએ પેપર મિલ પ્રદૂષણ હટાવો, ખેરવા બચાવોના સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટર એચ.કે. પટેલે તપાસ કરાવાની હૈયાધારણા આપી હતી.

રાત્રે દુર્ગંધના કારણે ભોજન અધૂરું છોડવું પડે છે: ફેક્ટરીથી સાંજના વધુ પ્રમાણમાં હવામાં પ્રદૂષણ ફેલાય છે. અમે રાત્રે ઘરે ભોજન લેતાં હોઇએ ત્યાં દુર્ગંધયુક્ત વાયુના કારણે ભોજન અધૂરું છોડી દેવું પડે છે. ઉબકા આવે છે, ઉલ્ટી થાય છે તેમ મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું.

10 કિમી વિસ્તારના પાંચ ગામ સુધી વાયુ ફેલાય છે: ખેરવા ગામના ભરતભાઇ પટેલ સહિત ગ્રામજનોએ રોષ સાથે જણાવ્યું કે, ખેરવા, જગુદણ, કડવાસણ, પુનાસણ અને દેવરાસણ સુધી 10 કિમીના એરિયામાં પવનની દિશામાં વાયુ ફેલાતાં દુર્ગંધથી મુશ્કેલી સર્જાય છે. રાત્રે બહાર સૂઇ શકતા નથી, છેલ્લા છ મહિનાથી સમસ્યા છે.
સરપંચ ગોવિંદભાઇ પટેલે કહ્યું કે, ત્રણ વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મહેસાણામાં રજૂઆત કરી છે, છતાં સમસ્યા હલ થઇ નથી. જીપીસીબીના ભ્રષ્ટાચારના કારણે આજે પણ પ્રદૂષણ ચાલુ હોવાનો આક્ષેપ કરી કહ્યું કે, હવે યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં અમારે ધરણાં કે આત્મવિલોપન કરવાની ફરજ પડશે.