ગરવીતાકાત,પાલનપુર(તારીખ:૦૩)

પાલનપુરના વાસણ (ધા) ગામે હવે યુવાનોને વિના મુલ્યે ફોજની તાલીમ આપશે

પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામના ઠાકોર સમાજના યુવાનને ગામના મુસ્લિમ પરિવારે ભણાવી ગણાવી ભારતીય લશ્કરમાં ફોજી તરીકે મોકલ્યા હતા. જેઓ વય નિવૃત થતાં સોમવારે ભવ્ય સ્વાગત કરાયું હતું. આ ફોજી નિવૃત્તિના સમયગાળામાં ગામના યુવાનોને ફોજમાં જવા માટે પ્રોત્સાહન આપી વિના મુલ્યે તાલીમ આપનાર છે.

પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામના સોમાજી હરિજી ઠાકોર અભ્યાસમાં નાનપણથી તેજસ્વી હતા. જોકે, માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમના ઘરની બાજુમાં રહેતાં મુસ્લિમ પરિવારના નુરીબેન અને ગુલાબનબીભાઈ મન્સૂરીએ તેમની દુકાનમાં રાખ્યો હતો. અને પોતાનો દિકરો હોય તેમ તમામ ખર્ચ ઉઠાવી ઉચ્ચ અભ્યાસ કરાવ્યો હતો. સોમજીએ પણ અભ્યાસની સાથે સખ્ત મહેનત કરતાં ભારતીય સેનામાં ફોજી તરીકે જોડાયા હતા. અને સેનામાં સેવા આપી વય નિવૃત થયા હતા. જેઓ સોમવારે તેમના માદરે વતન પરત આવ્યા હતા. જ્યાં ધનિયાણા ચોકડીથી વાસણ ગામ સુધી દેશ ભક્તિના ગીતો સાથે ભવ્ય વરઘોડો નીકાળી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમજીએ જણાવ્યું હતું કે, નિવૃત્તિના સમયગાળા દરમિયાન હવે ગામની સેવા કરીશ. ગામના યુવાનો લશ્કરમાં ભરતી થાય તે માટે તેમને આર્થિક મદદ તેમજ વિના મૂલ્યે તાલીમ આપીશ.

સોમાજી ઠાકોરમાં પડેલી શક્તિઓ અમે પિછાણી હતી. તેણે પણ સખ્ત પરિશ્રમ કરતાં આ શક્ય બન્યું હતું. અમે તો માત્ર નિમિત્ત બન્યા હતા. નિવૃત્તિના સમયગાળામાં પણ તેઓ ગામની સેવા કરે તેવી અલ્લા તાલા પાસે દુવા માંગીએ છીએ.

તસ્વીર અહેવાલ જયંતી મેતીય  પાલનપુર 

Contribute Your Support by Sharing this News: