પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,જામનગર: જામનગરમાં સપ્તાહ પૂર્વે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી એક યુવાને દવા પી જીવન ટુંકાવ્યા બાદ વધુ એક યુવાને વ્યાજખોરની પઠાણી ઉઘરાણી અને મારી નાખવાની ધમકીને તાબે થઇ ઝેરી દવા પી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે.

જામનગરમાં વધતાં જતા વ્યાજખોરોના ત્રાસને લઈને અનેક પરિવારોનો માળો વેરવિખેર થઇ ગયો છે. કાયદાની છટકબારી અને પોલીસ સહીતમાં ઉંચી પહોચ ધરાવનાર વ્યાજખોરો સતત બળુકા બનતા જાય છે. આજ કારણે દિનપ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ પણ એટલો જ વિસ્તરતો જાય છે. હજુ સપ્તાહ પૂર્વે જ એક સિંધી યુવાને વ્યાજખોરોની ઉઘરાણીને લઇને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની પોલીસ હજુ તપાસ શરુ કરે તે પૂર્વે વધુ એક યુવાને વ્યાજખોરના ત્રાસથી અંતિમ પગલું ભર્યું છે. શહેરના હવાઈચોક વિસ્તારમાં હિંગળાજ માતાના મંદિર પાસે શેરી નં.૨માં રહેતાં અને રીક્ષા ડ્રાઈવિંગનો વ્યવસાય કરતાં જયેશ અમૃતલાલ નાખવા ઉ.વર્ષ ૨૯ નામના યુવાને ગતરાત્રીના પોતાના ઘરે માંકડ મારવાની દવા પી લેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સીટી એ ડીવીઝન પોલીસે હોસ્પિટલ દોડી જઈ જયેશનું નિવેદન નોંધ્યું હતું. જેમાં બે માસ પૂર્વે કાળીયો ઉર્ફે કાલિ રશિકભાઈ કનખરા નામના સખ્શના બહેન પાસેથી રૂ.૧૦૦૦૦ની રકમ લીધી હતી. દર મહીને રૂ.૨૦૦૦ના વ્યાજ લેખે લીધેલી રકમ પેટે આરોપી કાળીયાએ જયેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીભસ્ત વાણી વિલાસ આચરી સતત ધમકાવતા આ સખ્શના ત્રાસમાંથી છુટવા જયેશે ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી કાળીયા સામે આઈપીસી કલમ ૫૦૪,૫૦૬ મુજબ તેમજ નાણા ધીરધાર અધિનિયમો ૨૦૧૧ની કલમ ૩,૫,૪૨ મુજબ ફરિયાદ નોંધી છે. આ ફરિયાદના આધારે પીએસઆઈ એમ.જી.વસાવા સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આજે વ્યાજવટાવની પ્રવૃત્તિ અને વ્યાજખોરોની દાદાગીરીને લઈને શહેરમાં એક સેમીનારનું આયોજન કર્યું છે, તે પૂર્વેની કલાકોના ગાળામાં યુવાને આ પગલું ભરી લેતા પોલીસ કાર્યવાહીની વિશ્વસનીયતા સામે પણ સવાલો ઉઠ્યા છે.

Contribute Your Support by Sharing this News: