નોટિસ આપ્યા વિના જ ઝૂંપડી તોડતા ગરીબ પરિવાર બેહાલ બન્યો

પાલનપુરઃ પાલનપુરમાં માનસરોવર નાળાનું દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ એક શ્રમિક પરિવારની ઝૂંપડી તોડી પરત ફરી હતી. કોઈ પણ જાતની નોટિસ ફટકાર્યા વિના જ ગરીબ પરિવારનું ઝૂંપડી તોડી દેતા પરિવાર બેહાલ બન્યો હતો.પાલનપુર નગર પાલિકાની ટીમ બુધવારે સાંજના સમયે શહેરના પાયોનિયર ડેરી વિસ્તારમાં માનસરોવરના નાળા પર થયેલા દબાણ તોડવા પહોંચી હતી. ત્યારે પાલિકાની ટીમે વિસ્તારમાં બની રહેલી એક રેસિડેન્સી દ્વારા નાળા પર વધારાની ચણતર કરી પાણી અવરોધાય તેવી સ્થિતિ સર્જી હતી જેથી પાલિકાની ટીમે નાળા પરનું ચણતર તોડી બાજુમાં આવેલી છેલ્લા 15 વર્ષથી વસવાટ કરતા લીલાબેન પ્રહલાદભાઇ પંડ્યાનું ઝૂંપડું કોઇપણ જાતની નોટિસ ફટકાર્યા વિના જ તોડી પાડ્યું હતું.રોષે ભરાયેલી મહિલા જણાવ્યું કે “પાયોનિયર ડેરી નજીક મારું કાચું ઘર આવેલું છે માનસરોવર નાળાનું વહેણ ત્યાંથી પસાર થાય છે. જે વહેણમાં મારું મકાન ક્યાંય નડતરરૂપ નહોતું. ઠેર ઠેર કેટલાય દબાણો આવેલા છે. છતાં પાલિકાએ કોઇ પણ જાતની નોટિસ આપ્યા વિના પાલિકાની ટીમે આવી મને 10 મિનિટમાં ઘર ખાલી કરવાનું કહી મારા ઝૂંપડા પર જેસીબી ફેરવી દીધું છે. મારો પરિવાર મજૂરીએ ગયેલા છે. એ પરત ફરશે તો હું તેમને શું જણાવીશ.?